<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

શું હવે વૈશ્વિક રાજકારણ બદલાશે? ચીને વૈશ્વિક મધ્યસ્થી સંગઠન IOMED સ્થાપ્યું :પાકિસ્તાન-ઈન્ડોનેશિયા સહિત ૩૩ દેશો જોડાયા

યુનાઈટેડ નેશન્સને ટક્કર આપવા ચીનનો પેતરો : ચીને IOMED ની સ્થાપના આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ગણાવ્યું

નવી દિલ્હી :વૈશ્વિક કૂટનીતિમાં મહત્વનો પડકાર ફેંકતા ચીને શુક્રવારે (૩૦ મે, ૨૦૨૫) નવી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંસ્થા “ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર મેડિએશન (IOMED)”ની સ્થાપના કરી છે. આ મંચમાં પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બેલારૂસ, લાઓસ, કમ્બોડિયા અને સર્બિયા સહિત ૩૩ દેશોએ સ્થાપક સભ્ય તરીકે સહિ કરી છે.

હોંગકોંગ ખાતે આયોજિત વૈશ્વિક સમ્મેલનમાં એશિયા, આફ્રિકા, યુરોપ અને લેટિન અમેરિકા સહીતના ૮૫ દેશોના પ્રતિનિધિઓ અને ૨૦ આંતરરાષ્ટ્રીય સંગઠનોના લગભગ ૪૦૦ પ્રતિનિધિઓએ હાજરી આપી. આ સ્તરે ઉપસ્થિતિથી આ મંચના વૈશ્વિક મહત્ત્વને સુચવે છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે IOMED ની સ્થાપના આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું છે. તેમણે કહ્યું કે આ ફોરમ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોને મૂર્ત સ્વરૂપ આપે છે અને વર્ષોથી અસ્તિત્વમાં રહેલા સંસ્થાકીય અંતરને ભરે છે.

વિશ્લેષકો માને છે કે આ મંચ વડે ચીન વૈશ્વિક કક્ષાએ પોતાની હાજરી વધુ સક્રિય બનાવી શકે છે. ચાઈનીઝ અસોસિએશન ઑફ હોંગકોંગ એન્ડ મકાઓ સ્ટડીઝના ચૂ કાર-કિન અનુસાર, IOMED વૈશ્વિક વિવાદો માટે શાંતિપૂર્ણ અને સંવાદસભર ઉકેલ લાવવાનો પ્રયાસ છે.

હાલમાં યૂએન જેવી સ્થાપિત સંસ્થાઓ સામે આ નવા મંચનો ખરેખર કેટલો અસરકારક દબદબો રહેશે, એ જોવાનું બાકી છે.

(12:11 AM IST)