<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

૮૪ વર્ષની માતાએ ૫૦ વર્ષની દીકરીને બચાવવા કિડની દાન કરી

કરુણાવતાર માતાએ સર્જ્‍યો રેકોર્ડ...આટલી જૈફ વયની વ્‍યકિતએ કિડની ડોનેટ કરી હોય એવી પ્રથમ ઘટના

 

 

નવી દિલ્‍હી તા.૩૧: માતાનો પ્રેમ પોતાના સંતાનો માટે અખૂટ હોય છે જે ઉંમરનો મોહતાજ હોતો નથી. એક સંતાન ગમે તેટલું મોટું થાય છતાં માતા માટે તે બાળક જ રહે છે. ૮૪ વર્ષની માતાએ કિડનીની બીમારીથી પીડાતી પોતાની ૫૦ વર્ષની પુત્રીને કિડની દાન આપીને ઇતિહાસ સર્જયો છે. આમ તો સગા સંબંધીઓ  ઓર્ગેન ટ્રાન્‍સપ્‍લાન્‍ટની જરુરિયાતથી પીડાતા સ્‍વજનને બચાવવા અંગદાન કરતા હોય છે પરંતુ ૮૪ વર્ષની વયે તો એક માતા જ અંગદાન કરી શકે. આટલી મોટી ઉંમરે કોઇ વ્‍યકિતએ દેશમાં અંગદાન કર્યુ હોય તેવી પ્રથમ ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્‍થાનના ભરતપુરની ૫૦ વર્ષની મહિલા ગુડ્ડીદેવી ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતી હોવાથી ડાયાલિસિસના સહારે જીંદગી જીવતી હતી. ગુડ્ડીદેવીની બંને કિડનીઓ ફેલ થતા બચવા માટે ટ્રાન્‍સ પ્‍લાન્‍ટ જ એક માત્ર ઉપાય હતો. ગુડ્ડીદેવી માટે કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે ખૂબ પ્રયત્‍નો થયા પછી પણ કિડની મળતી નથી. બીમારીના અંધકારમાં આશાનું કિરણ નજરે ચડતું ન હતું ત્‍યારે માતાએ પુત્રીને બચાવવા માટે કિડની આપવાનો નિર્ણય કર્યો. ૮૪ વર્ષની ઉંમરે શારીરિક અશકિતની પરવા કરી ન હતી.

સામાન્‍ય રીતે ઉંમરલાયક વ્‍યકિતના શરીરમાંથી કિડની લઇને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવી ખૂબ જોખમી હોય છે. એનેસ્‍થીસિયાની ઇફેકટ અને લોહીની કમી સહિતના અનેક મેડિકલ કારણો પણ હોય છે.  શરીરના ઓર્ગેન નબળા હોવાથી સર્જરી પણ જટિલ બને છે તેમ છતાં માતા પુત્રીનો જીવ બચાવવા હિંમત હારી ન હતી. જયપુરની ખાનગી હોસ્‍પિટલમાં માતા બુધ્‍ધાદેવીની શારીરિક તપાસ કરતા બંને કિડનીઓ સરસ રીતે કામ કરતી હતી.

અન્‍ય રિપોર્ટ તૈયાર કરીને ૫ કલાકની સર્જરી કરીને માતાના શરીરમાંથી કિડની પુત્રીના શરીરમાં ટ્રાસપ્‍લાન્‍ટ કરવામાં આવી હતી. જયપુરની એક ખાનગી હોસ્‍પિટલના ડોકટરોએ દાવો કર્યો હતો અગાઉ ૮૧ વર્ષની મહિલાએ કિડની ડોનર બની હતી પરંતુ ૮૪ વર્ષેનો રેકોર્ડ હવે સર્જાયો છે(૩૮.૧૦)

(9:40 AM IST)