નાઈઝીરિયામાં ડેમ તૂટતાં આવ્યું તબાહીનું તાંડવ, અત્યાર સુધીમાં ૧૧૧ લોકોના મોત
મૃતદેહો કાઢતા કાઢતા સેના થાકી ગઈ! : આફ્રિકન દેશ નાઇઝીરિયાના નાઇઝર પ્રાંતનું મોક્વા શહેર હાલ લાશોની ઢગલા પર બેઠું

નવી દિલ્હી તા.૩૧: આફ્રિકન દેશ નાઇઝીરિયાના નાઇઝર પ્રાંતનું મોક્વા શહેર હાલ લાશોની ઢગલા પર બેઠું છે. સતત ભારે વરસાદ બાદ શહેરની પાસે બનેલો એક ડેમ તૂટી ગયો હતો. ત્યાર બાદ અહીં એવું પૂર આવ્યું કે, મોતનું તાંડવ જોવા મળ્યું. એક બે નહીં અત્યાર સુધીમાં કુલ ૧૧૧ મળતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. રોજ મળતદેહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજધાની મિન્નાથી મળેલી જાણકારી અનુસાર રેસ્કયુ ઓપરેશન હજું પણ શરૂ છે. રાહત અને રેસ્કયુ ટીમના પ્રમુખ હુસૈની ઈસાએ જણાવ્યું કે, ઘણાં લોકો હજુ પણ ફસાયેલા છે. અમે સતત મળતદેહો બહાર કાઢી રહ્યાં છીએ. મળતદેહોની સંખ્યા વધી રહી છે.
મોક્વા નાઇજર રાજ્યનું એક મોટું વેપારી કેન્દ્ર છે. હવે તે સંપૂર્ણ રીતે બરબાદ થઈ ચૂકયું છે. આ આપત્તિની શરૂઆત કેટલાક કલાકો સુધી ચાલેલા ભારે વરસાદથી થઈ. પરંતુ શહેરની મુશ્કેલી ત્યારે વધી જ્યારે ડેમ તૂટી ગયો. સ્થાનીકોનું માનીએ તો પાણી એટલી ઝડપથી ફેલાઈ ગયું કે, લોકોને ઘરની બહાર નીકળવાની તક પણ ન મળી, એક મહિલાએ રડતાં રડતાં જણાવ્યું કે, મારી આંખોની સામે મારો દીકરો તણાઈ ગયો... હું માત્ર બૂમો પાડતી રહી.
આ પહેલીવાર નથી જ્યારે નાઇઝીરિયાને આ પ્રકારની આપત્તિમાં ફસાયું હોય. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ કંઈક આવું જ થયું હતુ. ત્યારે ૩૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને લાખો લોકો બેઘર બન્યા હતા. બોકો હરામ જેવા આંતકી સંગઠનોની હિંસાએ માનવીય સંકટને વધુ ભયાવહ બનાવી દીધી હતી. નાઈઝર અને બેન્યૂ નદીઓના કાંઠા વિસ્તારોમાં હંમેશા પૂર આવે છે. પરંતુ આ વખતે જે થયું, તેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે. સેંકડો પરિવાર હજુ પણ રાહત કેમ્પમાં પોતાના પરિવારના સભ્યોના સમાચારની રાહ જોઈ રહ્યાં છે.(૩૮.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
