<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ગોંડલમાં 'અમિત ખૂંટ' પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ! : રીબડા જૂથના અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમ મકરાણી ભારત છોડી ભાગ્યા? લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી હાથ ધરતી પોલીસ!

હનીટ્રેપના આરોપ બાદ આત્મહત્યા કરનાર અમિત ખૂંટનો ખુલાસો સાચો પડ્યો! : રાજકીય દુશ્મનાવટનો નવો વળાંક : પોલીસની ભૂમિકા સામે પાટીદાર-દલિત આગેવાનોમાં રોષ : ટૂંક સમયમાં મહાસંમેલન યોજાવાની સંભાવના!

રાજકોટ, શનિવાર, 31 મે, 2025: ગોંડલમાં ચકચાર મચાવનાર અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આત્મહત્યા બાદ નોંધાયેલા ગુનામાં મુખ્ય આરોપી તરીકે નામઝદ થયેલા અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી (જેને 'મિસ્ટર એક્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે) ભારત છોડીને ભાગી ગયા હોવાનું મનાય રહ્યું છે. આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ હાથ ન લાગતા, પોલીસે હવે તેમને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પડવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાક્રમ ગોંડલની રાજકીય અને જૂથવાદની વર્ષો જૂની દુશ્મનાવટને વધુ ઘેરી બનાવી રહ્યો છે.

હનીટ્રેપની જાળ અને આત્મહત્યાનું કડવું સત્ય:
આ સમગ્ર પ્રકરણની શરૂઆત 3 મેના રોજ થઈ હતી, જ્યારે એક યુવતીએ રાજકોટ પોલીસમાં અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયાના માત્ર બે દિવસ બાદ, 5 મેના રોજ, અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમણે આઘાતજનક આરોપ લગાવ્યો હતો કે તેને એક કાવતરાનો ભોગ બનાવવામાં આવ્યા છે અને તેની હનીટ્રેપ કરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ ષડયંત્ર પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ તેણે કર્યો હતો.

અમિત ખૂંટની આત્મહત્યા બાદ ગોંડલ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી, જેમાં તેના આરોપો સાચા હોવાનું બહાર આવ્યું. તપાસમાં ખુલ્યું કે, એક સગીર યુવતી અને તેની બહેનપણીએ મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્રને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા રહીમ મકરાણી ઉર્ફે મિસ્ટર એક્સની હતી. રહીમ મકરાણીએ આ છોકરીઓને નોકરી, પૈસા અને 'જિંદગી માલમ-માલ' કરી દેવાની લાલચ આપીને આ ગુનાહિત કૃત્યમાં સામેલ કરી હતી, જેમાં એક સગીરાનો પણ સમાવેશ થતો હતો.

મુખ્ય સૂત્રધારો ફરાર, પોલીસની ભૂમિકા પર સવાલો:
દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવનાર સગીર યુવતી અને તેની બહેનપણી તેમજ આ પ્રકરણમાં સામેલ રાજકોટના બે વકીલોની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જોકે, આ આત્મહત્યા અને હનીટ્રેપ કાવતરાના મુખ્ય સૂત્રધાર ગણાતા અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી હજુ પણ પોલીસની પકડથી દૂર છે.
આરોપીઓના ફરાર થયા પહેલા, અનિરુદ્ધસિંહ જાડેજાએ વિવિધ માધ્યમો સાથે વાત કરીને પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો. તેમણે જયરાજસિંહ જાડેજા પર પોતાના રાજકીય જીવનને ખતમ કરવા માટે આ કાવતરું ઘડવાનો સીધો આરોપ લગાવ્યો હતો, જેનાથી ગોંડલની જૂની રાજકીય દુશ્મનાવટ વધુ ઘેરી બની છે.

આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ આ મુખ્ય આરોપીઓને શોધી શકી નથી. ચર્ચાતી વિગતો મુજબ, આ આરોપીઓ નેપાળથી બીજા કોઈ વિદેશી દેશમાં ભાગી ગયા છે. આથી, રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય આરોપીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પડવાની કામગીરી હાલ હાથ ધરી છે.

વિરોધનો સૂર અને મહાસંમેલનની તૈયારી:
આ પ્રકરણમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની ઢીલી કામગીરી અને શંકાસ્પદ ભૂમિકાને લઈને પાટીદાર અને દલિત આગેવાનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી રહી છે કે, પોલીસની આ કામગીરીના વિરોધમાં દલિત અને પટેલ આગેવાનો ગોંડલમાં નજીકના ભવિષ્યમાં એક મહાસંમેલન બોલાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી કે પોલીસ પાસે મંજૂરી પણ માંગવામાં આવી નથી.

ગોંડલની આ રાજકીય અને જૂથવાદની આગ સમાવવાનું નામ લેતી નથી. એક દિવસ જયરાજસિંહ જાડેજા જૂથ તો બીજા દિવસે અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ એકબીજાનો હિસાબ પતાવવા મેદાનમાં ઉતરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે, લુકઆઉટ નોટિસ જારી થાય બાદ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમ ક્યાં સુધી ભાગતા ફરે છે. સમય જ જણાવશે કે ગોંડલના આ રાજકીય વેરનો અંત ક્યારે આવે છે.

 

(4:35 PM IST)