ઘરકંકાશમાં પતિ-પત્નીએ એકબીજાને સબક શીખવાડવાના ઈરાદે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી પોતાની જાત સળગાવી
ગંભીર રીતે દાઝેલા પતિ-પત્નીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા :બન્નેની હાલત નાજુક

ઉત્તર પ્રદેશના સંતકબીર નગર જિલ્લાના દૂધારા વિસ્તારમાં દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘરકંકાશમાં પતિ-પત્નીએ પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી. જો કે આસપાસના લોકોએ બન્નેને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં બન્નેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રામ ઈન્દ્રેશ ચોરસિયા (25) તેમની પત્ની ખુશ્બુ (25) સાથે દૂધારા વિસ્તારના કલા ચાર રસ્તા પર આવેલા ભાડાના મકાનમાં રહે છે. પતિ-પત્ની બન્ને ઑર્કેસ્ટ્રામાં નાચવા-ગાવાનું કામ કરે છે. આજે બપોરે 2 વાગ્યાની આસપાસ બન્ને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.
જોત-જોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જે બાદ બન્નેએ એકબીજાને સબક શીખવાડવાના ઈરાદે પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપીને અગ્નિસ્નાન કર્યું હતુ. જેના પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમણે જેમ-તેમ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
જે બાદ ગંભીર રીતે દાઝેલા પતિ-પત્નીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેની હાલત નાજુક જણાતા તેમને વધુ સઘન સારવાર અર્થે ગોરખપુરની મેડિકલ કૉલેજમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ તો સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
