<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

નાઈજેરીયામાં મોટી દુર્ઘટના : બસ પુલ પરથી પડતા સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ભાગ લેવા ગયેલા 22 ખેલાડીના મોત:શોકનું મોજું

30થી વધુ મુસાફરોને લઈ જતી બસ કાનો-ઝારિયા એક્સપ્રેસવે પર ચિરોમવા પુલ પરથી પડી ગઈ

ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક બસ પુલ પરથી પડી જતાં 22 ખેલાડીઓના મોત થયા હતા.
આ ખેલાડીઓ દક્ષિણ રાજ્ય ઓગુનમાં આયોજિત નાઇજિરિયન રાષ્ટ્રીય રમતોત્સવમાંથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ઘણા અન્ય મુસાફરો પણ ઘાયલ થયા હતા. કાનોના ગવર્નર અબ્બા કબીર યુસિફે જણાવ્યું હતું કે આ દુ:ખદ ઘટના શનિવારે બની હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી.

ગવર્નરના જણાવ્યા મુજબ, બસ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હશે, જેના કારણે 30થી વધુ મુસાફરોને લઈ જતી બસ કાનો-ઝારિયા એક્સપ્રેસવે પર ચિરોમવા પુલ પરથી પડી ગઈ. અકસ્માતમાં બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ ખેલાડીઓ તેમના કોચ અને રમત અધિકારીઓ સાથે કાનોનું ગૌરવ વધારવા માટે રમતોત્સવમાં ગયા હતા. આ મહોત્સવ દર બે વર્ષે યોજાય છે, જેમાં નાઇજીરીયાના 35 રાજ્યોના ખેલાડીઓ ભાગ લે છે. આ અકસ્માતે સમગ્ર રાજ્યને શોકમાં ડૂબાડી દીધું.
ગવર્નર યુસુફે કાનોમાં સોમવારે શોકનો દિવસ જાહેર કર્યો છે. કાનોના ડેપ્યુટી ગવર્નર અમીનુ ગ્વાર્ઝોએ જાહેરાત કરી કે મૃતકોના પરિવારોને 1 મિલિયન નાયરા (લગભગ US$630) અને ખાદ્ય પદાર્થો આપવામાં આવશે.

નાઇજીરીયામાં માર્ગ અકસ્માતો સામાન્ય છે. ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક નિયમોની કડકતાના અભાવે, આ અકસ્માતો દરરોજ બનતા રહે છે. આ વર્ષે માર્ચમાં રાજધાની અબુજા નજીક એક ટ્રેલર પાર્ક કરેલા વાહનો સાથે અથડાતાં અને આગ લાગી જતાં છ લોકો માર્યા ગયા હતા.

(11:57 PM IST)