News of Monday, 2nd June 2025
ભારતમાં કોરોનાનો હાહાકાર : સક્રિય કેસ 4000ની નજીક પહોંચ્યા : 4 દર્દીઓના મોતથી ખળભળાટ
દિલ્હીમાં દૈનિક કેસમાં મોટો ઉછાળો : કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ : દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની ગતિ તેજ બનતા ચિંતાનો માહોલ

નવી દિલ્હી, 2 જૂન, 2025: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા ઝડપથી વધીને 4000 ની નજીક પહોંચી ગઈ છે, જે સ્વાસ્થ્ય તંત્ર માટે પડકારરૂપ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રવિવાર (1 જૂન) સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3961 સક્રિય કેસ નોંધાયા છે. આ ભયાવહ સ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના દુઃખદ મોત પણ થયા છે.
દિલ્હીમાં કોરોનાનો રાફડો ફાટ્યો:
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ 47 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસો સાથે દિલ્હીમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા 483 પર પહોંચી ગઈ છે, જે રાષ્ટ્રીય રાજધાની માટે ગંભીર સંકેત છે. જોકે, દેશભરમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ રાજ્યમાં જોવા મળી રહ્યા છે, જ્યાં કોરોનાના 1435 સક્રિય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
દેશમાં 4 દર્દીઓના મોત:
કોરોના વાયરસના કારણે દેશભરમાં 4 વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં દિલ્હીની 22 વર્ષીય મહિલા, તમિલનાડુનો 25 વર્ષીય પુરુષ, મહારાષ્ટ્રનો 44 વર્ષીય પુરુષ અને કેરળનો એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે કોરોના ફરી જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
વિભિન્ન રાજ્યોમાં કોરોનાની સ્થિતિ:
રાજ્યવાર આંકડા જોઈએ તો, કેરળ સૌથી વધુ સક્રિય કેસ ધરાવે છે, જ્યાં 1435 કેસ નોંધાયા છે અને ગઈકાલથી 35 કેસનો વધારો થયો છે. મહારાષ્ટ્ર માં પણ 506 સક્રિય કેસ છે અને 21 નવા કેસ નોંધાયા છે. દિલ્હી માં 483 સક્રિય કેસ સાથે ગઈકાલથી 47 કેસનો નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત માં 338 સક્રિય કેસ છે, જેમાં 18 નવા કેસનો ઉમેરો થયો છે, જ્યારે 1 જાન્યુઆરીથી કુલ 120 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ માં 331 સક્રિય કેસ છે અને ગઈકાલથી 44 કેસનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. કર્ણાટક માં 253 સક્રિય કેસ છે, જેમાં ગઈકાલથી 15 કેસનો વધારો થયો છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ (30), બિહાર (5), છત્તીસગઢ (7), જમ્મુ અને કાશ્મીર (9), ઝારખંડ (11), મધ્યપ્રદેશ (23), ઓડિશા (12), રાજસ્થાન (69), સિક્કિમ (4) અને ઉત્તર પ્રદેશ (157) માં પણ નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના કેસોમાં થઈ રહેલો આ ઝડપી વધારો તબીબી નિષ્ણાતો અને સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને સાવચેતીના પગલાં લેવા અને લોકોને કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું, નિયમિતપણે હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવી એ અત્યંત આવશ્યક બની ગયું છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
