<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

૨૭૦ વર્ષ પછી પદ્મનાભસ્‍વામી મંદિરમાં અતિ દુર્લભ ‘મહાકુંભભિષેકમ' ૮ જુને યોજાશે

થિરુવનન્‍થપુરમ, તા.૨: કેરળના સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્‍વામી મંદિરમાં ૨૭૦ વર્ષના લાંબા ગાળા બાદ એક દુર્લભ અને ભવ્‍ય પ્રાણપ્રતિષ્ઠા વિધિ, ‘મહા કુંભભિષેકમ', યોજાવા જઈ રહી છે, તેમ મંદિરના અધિકારીએ જણાવ્‍યું હતું. આગામી ૮ જૂનના રોજ યોજાનાર આ ‘મહા કુંભભિષેકમ' પ્રાચીન મંદિરના લાંબા સમયથી બાકી રહેલા જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ થયા બાદ યોજાશે.

મંદિર સત્તાવાળાઓના જણાવ્‍યા અનુસાર, આ વિધિનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મંદિરની આધ્‍યાત્‍મિક ઊર્જાને પુનર્જીવિત કરવાનો અને પવિત્રતાને પુનર્જાગળત કરવાનો છે. મંદિરના મેનેજર બી. શ્રીકુમારે જણાવ્‍યું કે, સદીઓ જૂના આ મંદિરમાં આ પ્રકારનું વ્‍યાપક નવીનીકરણ અને તેની સાથે સંકળાયેલી વિધિઓ ૨૭૦ વર્ષથી વધુ સમય પછી યોજાઈ રહી છે, અને આગામી ઘણા દાયકાઓ સુધી તે ફરીથી યોજાવાની શકયતા નથી. શ્રીકુમારે જણાવ્‍યું કે, મહા કુંભભિષેકમના ભાગરૂપે વિવિધ વિધિઓ યોજાશે, જેમાં નવા બનાવેલા ‘થાઝિકાકુડમ્‍સ' (ગર્ભગળહ ઉપરના ત્રણ અને ઓટાક્કલ મંડપમ ઉપરના એક) ની પ્રતિષ્ઠા, વિશ્વકસેના મૂર્તિની પુનઃસ્‍થાપના અને મુખ્‍ય મંદિર સંકુલમાં આવેલા થિરુવમ્‍બાડી શ્રી કળષ્‍ણ મંદિરમાં ‘અષ્ટબંધ કલશમ' નો સમાવેશ થાય છે.

મંદિરના સૂત્રોએ ઉમેર્યું કે, આગામી દિવસોમાં ૮ જૂનના ‘મહા કુંભભિષેકમ' પહેલા આચાર્ય વરણમ, પ્રસાદ શુદ્ધિ, ધારા, કલશમ અને અન્‍ય સહિતની વિવિધ વિધિઓ મંદિરમાં યોજાશે. કેરળની રાજધાનીનું નામ શ્રી પદ્મનાભસ્‍વામી મંદિર સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જ્‍યાં ભગવાન વિષ્‍ણુ ‘અનંતા' સર્પદેવ પર શયનમુદ્રામાં બિરાજમાન છે. આ શહેર આ મંદિરની આસપાસ વિકસ્‍યું અને ત્‍યાં પૂજાતા દેવતાના નામ પરથી તેનું નામ પડ્‍યું

(4:39 PM IST)