<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પાકિસ્તાનમાં બલૂચ બળવાખોરો અને સેના વચ્ચે યુદ્ધ તેજ : BLAએ મુખ્ય આર્મી એજન્ટને ઠાર કર્યો

ક્વેટામાં 'ZIRAB'ના ઇનપુટ પર મેગ્નેટિક IED વડે હુમલો : બાબુલ મુહમ્મદ હસનીનું ઘટનાસ્થળે મોત : BLAની પાકિસ્તાની સેનાના સહયોગીઓને ચેતવણી

 

 

ઈસ્લામાબાદ, 2 જૂન, 2025: પાકિસ્તાનમાં સેના અને પોતાની સ્વતંત્રતાની માંગ કરી રહેલા બલૂચ બળવાખોરો વચ્ચેનું યુદ્ધ ભયાવહ સ્વરૂપ લઈ રહ્યું છે. આ સંઘર્ષમાં બલૂચ બળવાખોરોને દરરોજ નાની-નાની, પણ મહત્ત્વપૂર્ણ સફળતાઓ મળી રહી છે. ગઈકાલે રાત્રે, બલુચિસ્તાન વિદ્રોહી જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA) ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STO) એ ક્વેટામાં એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો હતો, જેમાં પાકિસ્તાન આર્મીના એક મુખ્ય એજન્ટ બાબુલ મુહમ્મદ હસની ને ઠાર મારવામાં આવ્યો હતો.
આ ઓપરેશન BLA ની ગુપ્તચર શાખા "ZIRAB" દ્વારા પૂરી પાડવામાં આવેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. BLAના લડવૈયાઓએ ક્વેટાના બરુરી રોડ પર એક વ્યૂહાત્મક 'સ્ટોપ એરિયા' માં પાકિસ્તાન આર્મી એજન્ટ મુહમ્મદ હસાનીના વાહનને મેગ્નેટિક IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) વડે નિશાન બનાવ્યું હતું. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મુહમ્મદ હસાનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સાથી મુહમ્મદ અમીન ગંભીર રીતે ઘાયલ થયો હતો. IED બ્લાસ્ટમાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
હસનીની ભૂમિકા અને BLAની ચેતવણી:
બાબુલ મુહમ્મદ હસની પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સીઓનો એક મુખ્ય એજન્ટ હતો. તેના જેહાદી સ્ક્વોડ એજન્ટ ઝકારિયા મુહમ્મદ હસની સાથે સીધા સંબંધો હતા. મુહમ્મદ હસની કલાત વિસ્તારમાં એક સશસ્ત્ર ગેંગનું નેતૃત્વ કરતો હતો, જે શહેર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. ચોંકાવનારી વાત એ છે કે, મુહમ્મદ હસનીએ એક ટોર્ચર ચેમ્બર પણ બનાવ્યો હતો, જ્યાં બલૂચ યુવાનોને બળજબરીથી ગાયબ કરવામાં આવતા હતા અને તેમને અમાનુષી ત્રાસ આપવામાં આવતો હતો. તેની ગેંગે અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ચેકપોઇન્ટ ગોઠવી હતી અને સશસ્ત્ર પેટ્રોલિંગ કર્યું હતું, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો.
આ સફળ ઓપરેશન બાદ BLA એ પાકિસ્તાની સેનાના સહયોગીઓને કડક ચેતવણી આપી છે. BLA એ કહ્યું છે કે જે લોકો બલૂચ વિરુદ્ધ પાકિસ્તાની સેના સાથે કામ કરી રહ્યા છે, તેઓએ BLA સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ, નહીં તો તેમનું ભાગ્ય મુહમ્મદ હસાની જેવું જ થશે. આ ઘટના બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતા અને બળવાખોરોની વધતી તાકાત દર્શાવે છે.

(3:09 PM IST)