News of Tuesday, 3rd June 2025
જો પાકિસ્તાન એક વર્ષ સુધી એરસ્પેસ બંધ રાખે તો એર ઇન્ડિયાને ૫૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સને લાંબો રૂટ લેવો પડશે આનાથી સમય અને ઇંધણનો ખર્ચ વધશે. એરલાઇન અને સરકાર સાથે મળીને નુકસાન ઘટાડવાના રસ્તાઓ શોધી રહ્યા છે

નવી દિલ્હી તા.૩: જો પાકિસ્તાન પોતાનું એરસ્પેસ બંધ રાખે તો એર ઇન્ડિયાને એક વર્ષમાં લગભગ ૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને આ ચોંકાવનારા આંકડા વિશે જણાવ્યું છે. સરકારે એરલાઇન કંપનીઓને પાકિસ્તાનના એરસ્પેસ બંધ થવાને કારણે કેટલું નુકસાન થશે તેનો અંદાજ લગાવવા કહ્યું હતું. વાસ્તવમાં, એરસ્પેસ બંધ થવાને કારણે વિમાનોને લાંબો રૂટ લેવો પડે છે. આનાથી સમય અને ઇંધણનો ખર્ચ વધે છે. એરલાઇન કંપનીઓ અને સરકાર સાથે મળીને આ નુકસાન ઘટાડવાના રસ્તાઓ શોધી રહ્યા છે.
પાકિસ્તાનના એરસ્પેસ બંધ થવાને કારણે એર ઇન્ડિયાને ભારે નુકસાન થવાની શકયતા છે. કંપનીના સીઈઓ કેમ્પબેલ વિલ્સને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના એરસ્પેસ બંધ થવાથી એર ઈન્ડિયાને એક વર્ષમાં લગભગ ૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
આ બાબતોને કારણે નુકસાન
આ નુકસાન એટલા માટે થશે કારણ કે એરસ્પેસ બંધ થવાથી ફ્લાઇટ્સને લાંબો રૂટ લેવો પડશે. તેનાથી ફ્લાઇટનો સમય વધશે. ઇંધણનો વપરાશ પણ વધુ થશે. આની સીધી અસર એર ઈન્ડિયાની કમાણી પર પડશે.
કેમ્પબેલ વિલ્સને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાને ‘‘ઓપરેશન સિંદૂર'' પછી એરસ્પેસ બંધ કર્યું ત્યારે એર ઈન્ડિયાના ૧૩ શહેરોના એરપોર્ટ બંધ થઈ ગયા હતા. આના કારણે એર ઈન્ડિયાની લગભગ ૧૦૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ ૭૦૦૦ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એર ઈન્ડિયા ઉપરાંત, અન્ય મોટી એરલાઇન કંપનીઓને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો પાકિસ્તાનનું એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહેશે, તો આ કંપનીઓને પણ ભારે નુકસાન થશે.
એરલાઇન કંપનીઓએ સૂચન કર્યુ છે
એરલાઇન કંપનીઓએ સૂચન કર્યું છે કે એરસ્પેસ બંધ થવાની અસર ઘટાડવા માટે ફ્લાઇટ્સના રૂટ બદલી શકાય છે. આ સાથે, નેટવર્ક પ્લાનિંગને પણ ગતિશીલ બનાવવાની જરૂર છે.
એર ઇન્ડિયાએ કહ્યું છે કે તેણે ખર્ચ ઘટાડવા અને લોકો માટે મુસાફરીને સરળ બનાવવા માટે સરકાર સાથે ઘણી વખત વાત કરી છે.
કેમ્પબેલ વિલ્સને કહ્યું, ‘‘અમને અમારા માટે અંદાજિત ખર્ચ કેટલો હશે તે જણાવવાનું કહેવામાં આવ્યું હતું અને તેથી અમે એક નંબર આપ્યો.'' આનો અર્થ એ છે કે સરકારે એર ઇન્ડિયાને નુકસાનનો અંદાજ માંગ્યો હતો. તેના જવાબમાં, કંપનીએ રૂ. ૫,૦૦૦ કરોડનો આંકડો આપ્યો.(૩૮.૬)
(9:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
