News of Tuesday, 3rd June 2025
હાય હાય..મોબાઈલ પર વાત કરતી નર્સે બોટલની ટેપને બદલે નવજાતની આંગળી કાપી
તમિલનાડુની સરકારી હોસ્પિટલમાં બનેલી ઘટનાઃ કલેક્ટરે નર્સની ગંભીર બેદરકારી મામલે તપાસના આદેશ આપ્યાં

વેલ્લોર,તા.૦૩: તમિલનાડુના વેલ્લોર જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક નર્સની બેદરકારીને કારણે એક નવજાત શિશુની આંગળી કપાઈ ગઈ હતી. વેલ્લોરની હોસ્પિટલમાં વિમલરાજે પોતાની ગર્ભવતી પત્ની નિવેથાને દાખલ કરી હતી. કેટલાંક કલાક પછી નિવેથાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
ડોક્ટરોના કહેવા મુજબ, બાળકના શરીરમાં સુગરની માત્રા ઓછી હતી, એટલા માટે તેને ગ્લુકોઝ ચઢાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એક નર્સ ગ્લુકોઝની સોયની જગ્યા બદલી રહી હતી, ત્યારે તેની ટેપ કાપવા માટે કાતરનો ઉપયોગ કર્યો અને ભૂલથી નવજાતની આંગળી કાપી નાંખી હતી. એવો આક્ષેપ છે કે આ દરમિયાન નર્સ મોબાઇલ પર વાતચીત કરી રહી હતી અને સંપૂર્ણપણે બેદરકાર હતી. પિતા વિમલરાજે જણાવ્યું કે દુર્ઘટના પછી તેમને લગભગ દોઢ કલાક સુધી બાળકને મળવા દીધા નહીં.
ઘટના સામે આવ્યા પછી હોસ્પિટલ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. બાળકોને સારી સારવાર માટે ચેન્નઈની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું, જ્યાં હાલ તેની હાલત સ્થિર છે. વેલ્લોર જિલ્લા કલેક્ટર સુબ્બુલક્ષ્મીએ મામલાની તપાસ માટે આદેશ આપીને કહ્યું કે, જો એ સાબિત થશે કે નર્સ ફોન પર વાતચીત કરી રહી હતી, તો તેને સખત સજા કરાશે. એમ પણ એ પ્રક્રિયામાં કાતરની જરુરિયાત હોતી નથી, હાથથી પણ ટેપ કર શકાતી હતી.(૪૦.૧૨)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
