News of Tuesday, 3rd June 2025
'ઓપરેશન સિંદૂર' પર રાજકીય ધમાસાણ તેજ : કેન્દ્રનો સત્ર બોલાવવાનો ઇનકાર : વિપક્ષનો આક્રોશ ચરમસીમા પર!
CDS અનિલ ચૌહાણના 'જેટ ગુમાવ્યા'ના ખુલાસાથી ભૂકંપ : કોંગ્રેસ સહિત ૨૦૦+ સાંસદો પત્ર લખી મોદી સરકારને ઘેરશે!

નવી દિલ્હી, તા. ૩ જૂન, ૨૦૨૫: 'ઓપરેશન સિંદૂર'ને લઈને દેશના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે! ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે સીમા પારના આ ઓપરેશનમાં ભારતીય ફાઇટર જેટ્સ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરતા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. વિપક્ષ આ મુદ્દે વિશેષ સંસદ સત્ર બોલાવવા માટે આક્રમક બન્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે આ માંગણીને સ્પષ્ટપણે ફગાવી દેતા વિપક્ષનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો છે!
સરકારી સૂત્રોનું કહેવું છે કે, "હાલમાં વિશેષ સત્ર બોલાવવાનો કોઈ જ આધાર નથી, કારણ કે ચોમાસુ સત્ર જુલાઈમાં યોજાવાનું નક્કી જ છે." એટલું જ નહીં, સરકારે એમ પણ કહ્યું છે કે વિપક્ષમાં પણ આ મુદ્દે સર્વસંમતિનો અભાવ છે.
પરંતુ, વિપક્ષ સરકારની આ દલીલોને ગળે ઉતારવા તૈયાર નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી નેતાઓએ સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા અને વિપક્ષને વિશ્વાસમાં લેવા વિનંતી કરી હતી. તેમનો મુખ્ય વાંધો એ છે કે, જનરલ ચૌહાણે સિંગાપોરમાં એક આંતરરાષ્ટ્રીય મંચ પર બ્લૂમબર્ગ સાથેની મુલાકાતમાં આ સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો કે 'ઓપરેશન સિંદૂર'ના પ્રથમ દિવસે વ્યૂહાત્મક ભૂલોને કારણે ભારતીય ફાઇટર જેટ્સ પડ્યા હતા.
કોંગ્રેસના કોમ્યુનિકેશન્સ ઇન-ચાર્જ જયરામ રમેશે તો સીધો સરકાર પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' પછી યોજાયેલી સર્વપક્ષીય બેઠકોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જ આ લશ્કરી નુકસાન વિશે જાણ કરવી જોઈતી હતી, નહીં કે ટોચના લશ્કરી જનરલે વિદેશી ધરતી પર આ કબૂલાત કરવી પડે.
કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, DMK, RJD, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિતના પક્ષો રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી વ્યૂહરચના અને 'ઓપરેશન સિંદૂર' પછી વિદેશી હસ્તક્ષેપની ચિંતાઓને લઈને વિશેષ સત્રની માંગણી પર અડગ છે. વિપક્ષી સાંસદો આ માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવી રહ્યા છે.
આજે, INDIA ગઠબંધનના નેતાઓ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ બેઠકમાં બપોરે ૧૨:૩૦ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ૨૦૦થી વધુ લોકસભા સાંસદો દ્વારા હસ્તાક્ષર કરાયેલો વિશેષ સત્રની માંગણી કરતો પત્ર પણ જાહેર કરવામાં આવશે. RJD સાંસદ મનોજ ઝાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય નાગરિકોને લાગે છે કે તેમને દેશ સમક્ષના પડકારો અંગે અંધારામાં રાખવામાં આવ્યા છે. તેમણે સમાજમાં વિભાજન પેદા કરતી "વ્યવસ્થિત અરાજકતા" સામે પણ ચેતવણી આપી છે અને વિદેશી સરકારોના હસ્તક્ષેપ પર ચર્ચાની માંગ કરી છે.
આ રાજકીય ખેંચતાણ દર્શાવે છે કે 'ઓપરેશન સિંદૂર' અને તેના પરિણામો આગામી સમયમાં સંસદ અને રાજકીય વર્તુળોમાં ગરમ ચર્ચાનો વિષય બનશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
