<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

પૂર્વોત્તર રાજ્યમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો કહેર:પીએમ મોદીએ તમામ મદદની આપી ખાતરી

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વડા પ્રધાન દ્વારા શક્ય તમામ મદદની ખાતરી અપાઈ

પૂર્વોત્તરમાં ખૂબ જ વિનાશ સર્જાયો છે. આસામથી લઈને સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ સુધી સમગ્ર પૂર્વોત્તર આ સમયે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વડા પ્રધાને શક્ય તમામ મદદની ઓફર કરી.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ભારે વરસાદ પછી પૂરનો સામનો કરી રહેલા પૂર્વોત્તર રાજ્યોને શક્ય તમામ મદદની ઓફર કરી છે. વડા પ્રધાન મોદીએ આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ હિમંત બિસ્વા શર્મા અને પ્રેમ સિંહ તમાંગ, મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.


વડા પ્રધાને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ અને સમર્થનની ખાતરી આપી. પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે થયેલા પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક સોમવારે 36 થઈ ગયો છે, જ્યારે પ્રદેશના ઘણા રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત છે.

આસામના મુખ્યમંત્રીએ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આસામ અને આસપાસના રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂર આવ્યું છે અને લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

સીએમ હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ મને આસામમાં પૂરની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો. મેં તેમને જણાવ્યું હતું કે આસામ અને આસપાસના રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂર આવ્યું છે અને ઘણા લોકોનું જીવન પ્રભાવિત થયું છે. મેં તેમને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્ય વિશે પણ માહિતી આપી હતી. માનનીય પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી અને અમારા રાહત અને પુનર્વસન પ્રયાસો માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. હું આસામના લોકોનો તેમના માર્ગદર્શન અને અવિરત સમર્થન માટે આભારી છું.

(1:36 PM IST)