News of Tuesday, 3rd June 2025
હાથી અને ઘોડાની વચ્ચે લડાઈ થઈ એમાં હાથી ઊભી પૂંછડીએ ભાગ્યો

રતલામ,તા.૦૩: સ્વાભાવિકપણે હાથી અને ઘોડા વચ્ચે લડાઈ થાય તો કોની જીત થાય? હાથી જ બળિયો સાબિત થાયને? પણ ના, મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં એક એવી ઘટના બની જેમાં આ બે પ્રાણીઓ વચ્ચે ફાટી નીકળેલી લડાઈમાં હાથી યુદ્ધનું મેદાન છોડીને ભાગી નીકળ્યો હતો.
સામાન્ય રીતે હાથી રોડ પર નીકળે તો આસપાસનાં જાનવરોથી લઈને માણસો પણ એને જગ્યા કરી આપે. જોકે રતલામમાં ભરબપોરે એક મહાવત હાથી સાથે ચાલી રહ્યો હતો ત્યારે અચાનક એ બેકાબૂ થઈને આસપાસની દુકાનો અને ઘરો પાસે ઉત્પાત મચાવવા લાગ્યો. મહાવત પણ એને કાબૂમાં લઈ નહોતો શકતો અને માણસોની નાસભાગ મચી ગઈ હતી. એવામાં એક માથાભારે સફેદ ઘોડાએ આવીને હાથીનો સામનો કર્યો. જ્યારે કોઈ હાથી નજીક જવાની હિંમત નહોતું બતાવી શકતું ત્યારે આ ઘોડો હાથી પર તૂટી પડ્યો. તેણે હાથીને પાછળના પગેથી બાઇટ કરવાનું અને જોરજોરથી લાત મારવાનું શરૂ કર્યું. ઘોડાની સ્ફૂર્તિ જોઈને હાથીનો ગુસ્સો ઠંડો થઈ ગયો. હાથીએ ઘોડાથી પીછો છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ ઘોડાભાઈ આસાનીથી છોડવા તૈયાર નહોતા. આખરે મહાવતે પણ ઘોડાને લાકડીથી દૂર કરવાનો પ્રયાસ કર્યો અને છેલ્લે હાથીભાઈ અવળી દિશા પકડીને ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા ત્યારે તેમનો છુટકારો થયો.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
