<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ભાજપ દ્વારા 'ઓપરેશન બંગાળ' ની જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો

ટીએમસીએ ભાજપ પર રાજ્યને બદનામ કરવાનો આરોપ લગાવ્યો જ્યારે ભાજપ તેને ભ્રષ્ટાચાર અને સરકારી નિષ્ફળતાઓને ઉજાગર કરવાની ઝુંબેશ ગણાવી

નવી દિલ્હી :ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'ઓપરેશન બંગાળ'નો ઉલ્લેખ કરતા જ પશ્ચિમ બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ નિવેદન પર વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે, જ્યાં એક તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ભાજપ પર બંગાળને આતંકવાદી રાજ્ય તરીકે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપ તેને જનતા સુધી સત્ય પહોંચાડવાનું અભિયાન ગણાવી રહી છે.

    ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ આપણા રાજ્ય અને આપણા લોકોને આતંકવાદીઓ તરીકે જોઈ રહી છે. આ ખૂબ જ નિંદનીય છે. જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે ટીએમસી સેના અને ઓપરેશન સિંદૂરને સમર્થન આપે છે, પરંતુ જ્યારે બંગાળની વાત આવે છે, ત્યારે ભાજપ ફક્ત બદનામ કરે છે

   બીજી તરફ, ભાજપનો દાવો છે કે 'ઓપરેશન બંગાળ'નો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને મમતા બેનર્જી સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ લાવવાનો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ પાર્ટી સમગ્ર રાજ્યમાં જનસંપર્ક કરશે અને જણાવશે કે છેલ્લા 15 વર્ષમાં તૃણમૂલ સરકારે જનતા સાથે કેવી રીતે છેતરપિંડી કરી છે.

તેમણે આરોપ લગાવ્યો કે કોલસા કૌભાંડ, પશુઓની દાણચોરી, SSC ભરતી કૌભાંડથી લઈને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ, અરાજકતા, ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ સુધી, મમતા સરકારે રાજ્યને ખાડામાં ધકેલી દીધું છે.

ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલે આ અભિયાનને મમતા બેનર્જીની સત્તા માટે સીધો પડકાર ગણાવ્યો અને કહ્યું કે 'ઓપરેશન બંગાળ' એ મમતાની સરકારને ઉથલાવી પાડવાની રણનીતિ છે. બંગાળના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે. મમતાની તુષ્ટિકરણની રાજનીતિનો અંત આવવો જોઈએ. જોકે, ભાજપ એ પણ સ્પષ્ટ કરી રહ્યું છે કે 'ઓપરેશન બંગાળ'નો કોઈ લશ્કરી કાર્યવાહી કે 'ઓપરેશન સિંદૂર' સાથે કોઈ સંબંધ નથી.

પરંતુ વિપક્ષનું માનવું છે કે 'ઓપરેશન' જેવા શબ્દોનો ઉપયોગ કરીને, ભાજપ લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે અને બંગાળની ગરિમાને ઠેસ પહોંચાડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે 'ઓપરેશન બંગાળ' ખરેખર જાહેર મુદ્દાઓ પર કેન્દ્રિત ઝુંબેશ બને છે કે ચૂંટણી યુક્તિ.

(9:02 PM IST)