<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

આલેલે...દીકરી માટે મુરતિયો જોવા ગઈ હતી મમ્‍મીઃ ફૂટડો જુવાન જોઈ પોતાની વાત ફીટ કરી નાખીઃ દુલ્‍હન બનીને પાછી આવી

સાસુ પોતાનાથી અડધી ઉંમરના જમાઈને પ્રેમ કરી બેઠીઃ બંનેએ લગ્ન કરી લીધાં: જમાઈ સાથે લગ્ન કરી મહિલા જ્‍યારે પાછી આવી તો ગામના લોકો ચોંકી ગયા.

શાહજહાંપુર તા.૪: ઉત્તર પ્રદેશના અલીગઢની સાસુ-જમાઈની લવ સ્‍ટોરી ખૂબ જ ચર્ચામાં હતી. હવે શાહજહાંપુરમાંથી પણ આવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. સાસુ પોતાનાથી અડધી ઉંમરના જમાઈને પ્રેમ કરી બેઠી. બંનેએ લગ્ન કરી લીધાં. જમાઈ સાથે લગ્ન કરી મહિલા જ્‍યારે પાછી આવી તો ગામના લોકો ચોંકી ગયા. આ મામલો શાહજહાંપુરના કલાન તાલુકાના પરૌર વિસ્‍તારના દેવકલી ગામનો છે. અહીંની રહેવાસી એક મહિલાએ સમાજના બંધનો અને મર્યાદાને તોડતા પોતાના થનારા જમાઈ સાથે લગ્ન કરી લીધાં.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલાં નિધન થઈ ગયું હતું. મહિલાના ત્રણ દીકરા અને એક દીકરી છે. પોતાની દીકરી સાથે લગ્ન નક્કી કર્યા બાદ મહિલા ફોન પર જમાઈ સાથે વાત કરવા લાગી. વાત કરતાં કરતાં બંને વચ્‍ચે પ્રેમ થઈ ગયો. બંનેએ ગામના જ મંદિરમાં સાત ફેરા લઈ લીધા. નવાઈની વાત એ છે કે દીકરીએ પણ માનો સાથ આપ્‍યો. બંનેને નવા જીવનની શુભકામના આપી.

મહિલાની ઉંમર ૪૫ વર્ષની હોવાનું કહેવાય છે. જમાઈની ઉંમર ૨૩ વર્ષની હોવાનું કહેવાય છે. પતિના મોત બાદ દીકરીના લગ્ન માટે સંબંધ શોધી રહી હતી. શાહજહાંપુરના નજીક એક ગામમાં દીકરીનો સંબંધ નક્કી કર્યો હતો. સાસુ-જમાઈએ એકબીજાને નંબર આપ્‍યા. બંને વચ્‍ચે ફોન પર લાંબી વાતચીત થવા લાગી. થોડા દિવસ બાદ સાસુ પોતાના લગ્નની વાત જમાઈ સાથે કરવા લાગી. જમાઈએ પણ જરાં પણ મોડું કર્યા વિના હા પાડી દીધી.

હકીકતમાં જોઈએ તો, મહિલા કલાકો સુધી ફોન પર વાત કરતી હતી, તો દીકરીને શંકા ગઈ. તે પોતાની માતા પર નજર રાખવા લાગી. પછી તેને જાણવા મળ્‍યું કે, તે એ જ યુવક સાથે વાત કરી રહી છે, જેની સાથે તેના લગ્ન થવાના હતા. દીકરીએ યુવકને ફોન લગાવ્‍યો તો વાત ફેરવવા લાગ્‍યો, પણ યુવતીની માતાએ સ્‍વીકાર કરી લીધો કે તેમની વચ્‍ચે પ્રેમ પ્રસંગ છે.

દીકરીએ સમાજમાં બદનામીના ડરથી ખુદને એક ડગલું પાછળ રાખવાનો નિર્ણય લીધો. ‘‘તમે બંને લગ્ન કરી લો. હું પછી લગ્ન કરી લઈશ.''સોમવારે દીકરીની હાજરીમાં સાસુ અને જમાઈએ મંદિરમાં લગ્ન કરી લીધાં. બંને ગામ છોડીને જતાં રહ્યાં. હાલમાં જ અલીગઢ અને બસ્‍તીમાંથી પણ આવો જ કિસ્‍સો સામે આવ્‍યો હતો.

(10:27 AM IST)