<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

મોરબી નજીક ચીખલી ગામમાં હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ :માળિયાના સલીમની ધરપકડ

યુટયુબમાં જોઈને આરોપી હથિયાર બનાવવાનું શીખ્યો હતો: ઘરેથી હથિયાર બનાવવાના સાધનો મળ્યા :ચરાડવાના શખ્સનું પણ નામ ખુલ્યું

મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. યુટયુબમાં જોઈને આ શખ્સ હથિયાર બનાવવાનું શીખ્યો હતો. જેના માટે તેને સાધન સામગ્રી પણ તૈયાર રાખ્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે, મોરબીના માળીયાના ચીખલી ગામે ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસે ચીખલી ગામે દરોડો પાડ્યો હતો. ચીખલી ગામે મફતિયાપરામાં રહેતા સલીમ નામના શખ્સના ઘરેથી હથિયાર બનાવવાના સાધનો મળી આવ્યા હતાં. જેની પુછપરછમાં તેને યુ-ટયુબમાં વિડિયો જોઈને હથિયાર બનાવવાનું શીખ્યો હોય અને તે પોતાના ઘરે જ હથિયાર બનાવવાનું કામ શરૂ કર્યુ હતું.

સલીમની વિશેષ પુછપરછ કરતાં આ મામલે ચરાડવાના શખ્સનું પણ નામ ખુલ્યું છે. ચરાડવાના સિદીક ઉમેદ અલી કાજોડીયાનું નામ ખુલતાં બન્ને વિરૂદ્ધ આમ્સ એકટ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. મોરબી પોલીસે માળીયા પાસેથી ઝડપી પાડેલી આ હથિયાર બનાવવાની મીની ફેકટરીમાંથી કટર તેમજ અલગ અલગ લોખંડના પાઈપ તથા વેલ્ડીંગનું મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઝડપાયેલા સલીમે હથિયાર બનાવીને કોને સપ્લાય કર્યા છે કે કેમ ? તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(1:34 PM IST)