News of Wednesday, 4th June 2025
બકરી ઈદ પર ‘ગ્રીન' કુરબાનીનો મોરચોઃ ભાજપ નેતાઓની ‘વર્ચ્યુઅલ' ઈદની માંગ!

લખનઉ/મુંબઈ, તા. ૪: ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદની ૭ જૂને દેશભરમાં ઉજવણી થવાની છે, ત્યારે આ તહેવારને લઈને દેશમાં ‘ગ્રીન' અને ‘વર્ચ્યુઅલ' કુરબાનીની ચર્ચાઓએ જોર પકડયું છે. આ વચ્ચે, ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના પ્રમુખ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ મુસ્લિમ સમુદાય માટે ૧૨ મુદ્દાની માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં બીજાની ધાર્મિક લાગણીઓનો આદર કરવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, મહારાષ્ટ્રના નેતા નિતેશ રાણે અને ગાઝિયાબાદના ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જર ‘ગ્રીન' અને ‘વર્ચ્યુઅલ' ઈદ ઉજવવાની માંગ કરીને આ મુદ્દાને વધુ ગરમાવ્યો છે.
મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ મુસ્લિમોને અપીલ કરી છે કે કુરબાની ૭, ૮ અને ૯ જૂને કાયદાના દાયરામાં રહીને જ કરવી. તેમણે ખાસ કરીને તે જ પ્રાણીઓની કુરબાની કરવાની સલાહ આપી છે જેના પર કોઈપણ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી. તેમની માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
કુરબાની માટે પૂર્વનિર્ધારિત સ્થળ, કતલખાના કે ઘરના આંગણાનો ઉપયોગ કરો, ખુલ્લી શેરીઓ, રસ્તાઓ કે જાહેર સ્થળો ટાળો.
કુરબાની દરમિયાન અને પછી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
પ્રાણીઓનું લોહી ગટરમાં વહેવા ન દો, તેને માટીમાં દાટી દો, જેથી તે છોડ માટે ખાતર બની શકે. આનાથી બીજાની ધાર્મિક લાગણીઓ દુભાતી નથી અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
કુરબાની આપ્યા પછી બચેલો કચરો રસ્તા કે શેરીમાં ન ફેંકો, તેને ફક્ત મ્યુનિસિપલ કચરાપેટીમાં જ નાખો.
કુરબાની આપતી વખતે બીજાની ધાર્મિક લાગણીઓનો આદર કરો.
માંસ ખુલ્લામાં ન લઈ જાઓ અને તેને યોગ્ય રીતે પેક કર્યા પછી જ જરૂરિયાતમંદોને આપો.
ગરીબો અને જરૂરિયાતમંદોને કુરબાનીના માંસનો ત્રીજો ભાગ આપવો ધાર્મિક રીતે જરૂરી છે.
ઈદની નમાઝ દરમિયાન, દેશની પ્રગતિ અને સરહદની રક્ષા કરતા સૈન્ય જવાનોની સલામતી માટે પણ ખાસ પ્રાર્થના કરો.
કુરબાનીના ચિત્રો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં.
શાંતિ અને ભાઈચારોનો સંદેશ આપો.
પ્રાણીઓ અને કુરબાનીની ખરીદી-વેચાણ કાયદાના દાયરામાં હોવી જોઈએ.
મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્દેશો અને વહીવટી નિયમોનું પાલન કરો.
બીજી તરફ, મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ ‘ગ્રીન ઈંદ' ઉજવણીની માંગ કરી છે અને પર્યાવરણવાદીઓ તથા પ્રાણી અધિકાર કાર્યકરો પર નિશાન સાધ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, જો હોળી અને દિવાળી જેવા હિંદુ તહેવારો દરમિયાન ફટાકડા અને રંગોના ઉપયોગ પર પર્યાવરણની ચિંતા વ્યક્ત કરીને પ્રતિબંધોની અપીલ કરવામાં આવે છે, તો બકરી ઈદની ‘વર્ચ્યુઅલી' ઉજવણી કરવાની કોઈ અપીલ કેમ નથી? તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રાણી પ્રેમીઓ પ્રાણી અધિકારોના નામે ‘પસંદગીયુક્ત' અભિગમ અપનાવે છે. રાણેએ ભારપૂર્વક કહ્યું કે, ‘આ એક હિંદુ રાષ્ટ્ર છે, જો બંધારણ હિંદુઓને લાગુ પડે છે, તો તે મુસ્લિમોને પણ સમાન રીતે લાગુ પડવું જોઈએ, કોઈ શરિયા કાયદો લાગુ પડશે નહીં.'
ગાઝિયાબાદના લોની વિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પણ પર્યાવરણને અનુકૂળ અથવા લીલી બકરી ઈદ ઉજવવાની અપીલ કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને કોઈપણ પ્રાણીની હત્યા ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. ખાસ કરીને હિંડોન એરફોર્સ સ્ટેશન જેવા ઓર્ડિનન્સ એરિયામાં, ગુર્જર મુસ્લિમ સમુદાયના લોકોને આ વખતે કેક પર બકરી કાપીને પ્રતીકાત્મક રીતે બલિદાનની વિધિ કરવા અપીલ કરી છે, જેથી પર્યાવરણનું પણ રક્ષણ થાય.
આ વર્ષે બકરી ઈદની ઉજવણી ધાર્મિક પરંપરાઓ અને પર્યાવરણીય જાગળતિ વચ્ચે એક સંવાદનો વિષય બની રહી છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
