<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સરકારે ૪૧ જરૂરી દવાઓનું કર્યુ ભાવ બાંધણું

પ્રજાને રાહત આપતો નિર્ણયઃ જે દવાઓની MRP નક્કી કરી છે તેમાં હદયની બિમારી, તાવ, ડાયાબિટીસ, દુઃખાવો, સ્‍ટ્રેસ જેવી દવાઓનો સમાવેશ થાય છે : કંપનીઓ માત્ર જીએસટી જોડી શકશેઃ દુકાનદારો પ્રાઈસ લિસ્‍ટ ગ્રાહકને દેખાય તે રીતે રાખવાનું રહેશેઃ ભંગ કરનાર દંડાશેઃ નોટીફીકેશન જારી

 

નવી દિલ્‍હી, તા.૪: એક જ દવા માટે અલગ અલગ કંપનીઓના ભાવમાં હવે મોટા તફાવતની સમસ્‍યા નહીં રહે. વાસ્‍તવમાં, કેન્‍દ્ર સરકારે અલગ અલગ રોગો માટે ૪૧ દવાઓનો મહત્તમ છૂટક ભાવ નક્કી કર્યો છે. હવે દવા કંપનીઓ આ કિંમત કરતા વધુ કિંમતે તેમની દવાઓ વેચી શકશે નહીં. જોકે તેમને દવાના MRP ઉપરાંત ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ વસૂલવાનો અધિકાર હશે, પરંતુ કંપનીઓ પહેલા સરકારને GST ચૂકવ્‍યા પછી જ આ કામ કરી શકશે. આ ૪૧ દવાઓમાં મોટાભાગની તાવ, દુખાવો, ડાયાબિટીસ જેવી દૈનિક ઉપયોગની દવાઓનો સમાવેશ થાય છે. સરકારે દરેક દુકાનદાર અને ડીલરને દવા ઉત્‍પાદક કંપની પાસેથી મળેલી કિંમત યાદી દુકાનમાં એવી જગ્‍યાએ મૂકવાનો પણ આદેશ આપ્‍યો છે જ્‍યાંથી ગ્રાહક સરળતાથી જોઈ શકે. આ માટે, નેશનલ ફાર્માસ્‍યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એ એક સૂચના પણ જારી કરી છે.

સરકારે ૪૧ દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે. આ દવાઓનો ઉપયોગ ડાયાબિટીસ, હૃદય, તાવ, દુઃખાવો, તણાવ અને જીવનશૈલી સંબંધિત અન્‍ય રોગોની સારવારમાં થાય છે. મંગળવારે નેશનલ ફાર્માસ્‍યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. આમાં ૪૧ દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવી છે. આ કિંમત ઉપરાંત ફાર્માસ્‍યુટિકલ કંપનીઓને નિશ્‍ચિત કિંમત પર વધારાનો GST ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે.

નોટિફિકેશનમાં, આને નવી દવાઓ કહેવામાં આવી છે. આ મુજબ, ઉત્‍પાદકે છૂટક કિંમતો નક્કી કરવી પડશે. દવા ઉત્‍પાદક કંપની છૂટક કિંમત પર GST ની રકમ ત્‍યારે જ ઉમેરી શકે છે જ્‍યારે તે સરકારને ચૂકવવામાં આવી હોય અથવા બાકી હોય. નોટિફિકેશન અનુસાર દરેક દુકાનદાર અને ડીલરને ઉત્‍પાદક દ્વારા આપવામાં આવેલી કિંમત યાદી તેમની દુકાનમાં એવી જગ્‍યાએ ચોંટાડવાનો આદેશ આપવામાં આવ્‍યો છે, જ્‍યાં કોઈપણ તેને સરળતાથી વાંચી અને જોઈ શકે.

ગ્રાહકો દવાની કિંમત સરળતાથી જાણી શકે તે માટે આ જરૂરી છે. નેશનલ ફાર્માસ્‍યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્‍યું હતું કે છૂટક કિંમત ફક્‍ત તે ઉત્‍પાદકોને જ લાગુ પડશે જેમણે સરકાર દ્વારા બનાવેલા તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે. જો દવાના છૂટક ભાવ સંબંધિત સૂચનાઓનું ઉત્‍પાદક દ્વારા પાલન કરવામાં ન આવે, તો નિયમો અનુસાર, એકત્રિત કરેલી વધારાની રકમ વ્‍યાજ સાથે જમા કરવી પડશે. (રર.૨૫)

(3:17 PM IST)