News of Wednesday, 4th June 2025
રશિયાનો દાવોઃ ૨૪ કલાકમાં ૧૪૩૦ યુક્રેનિયન સૈનિકો મારી નાખ્યા
યુક્રેને કહ્યું કે અમે એક દિવસમાં ૧૧૦૦ રશિયન સૈનિકો માર્યા અને ત્રણ વર્ષમાં કુલ ૧૦ લાખ રશિયન સૈનિકો મર્યા

મોસ્કો તા.૪: રશિયાના સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાણકારી આપી હતી કે યુક્રેનમાં ખાસ લશ્કરી કાર્યવાહીમાં રશિયન દળોએ એક દિવસમાં ૧૫૦થી વધુ વિસ્તારોમાં હુમલો કર્યો હતો અને એમાં યુક્રેનના ૧૪૩૦ સૈનિકોનાં મળત્યુ થયાં હતાં. યુક્રેન દ્વારા ચાર હવાઈમથકો પર ૪૦થી વધુ રશિયન બૉમ્બર વિમાનોનો વિનાશ કર્યો હોવાના યુક્રેનના દાવા બાદ રશિયાએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ યુક્રેને કહ્યું કે યુદ્ધમાં અમે ૨૪ કલાકમાં ૧૧૦૦ રશિયન સૈનિકો માર્યા છે. આ સિવાય યુક્રેનનો દાવો છે કે ત્રણ વર્ષના યુદ્ધમાં લગભગ દસ લાખ રશિયન સૈનિકોનાં મળત્યુ થયાં છે.
યુક્રેન જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે રશિયાએ ૧૦,૮૮૧ ટૅન્ક, ૨૨,૬૭૧ સશષા લડાઈ વાહનો, ૫૦,૬૦૭ વાહનો અને બળતણ ટાંકી, ૨૮,૬૨૩ આર્ટિલરી સિસ્ટમ, ૧૪૦૨ મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ, ૧૧૭૬ હવાઈ સંરક્ષણ પ્રણાલી, ૩૮૪ વિમાન, ૩૩૬ હેલિકૉપ્ટર, ૩૮,૭૪૮ ડ્રોન, ૨૮ જહાજો અને બોટ અને એક સબમરીન ગુમાવ્યાં છે.
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે બન્ને દેશો હાલમાં ટર્કીના ઇસ્તાંબુલમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે. યુદ્ધવિરામ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ દરમ્યાન બન્ને દેશો કેદીઓની અદલાબદલીના સોદા પર સંમત થયા હતા અને યુદ્ધમાં માર્યા ગયેલા ૬૦૦૦ સૈનિકોના અવશેષો મુક્ત કરશે.(૩૮.૩૫)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
