News of Wednesday, 4th June 2025
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારઃ વધી શકે છે મોંઘવારી ભથ્થું
ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો

નવી દિલ્હી, તા.૪: દેશના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. જેમાં જુલાઈ માસમાં મોંઘવારી ભથ્થું ગત વખત કરતા વધુ વધવાની અપેક્ષા છે. કારણ કે સરકારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા છ મહિનામાં ડીએમાં ૨ ટકાનો વધારો કર્યો છે. જ્યારે સાતમું પગાર પંચ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ તેનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેથી આ વર્તમાન પગાર પેનલ હેઠળનો છેલ્લો સુધારો હશે. ત્યારે સરકારી કર્મચારીઓને આશા છે કે આ વખતે ડીએ ગત સમય કરતા વધુ વધશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૨૦૨૫ માં મોંઘવારી ભથ્થાંનો બીજો હપ્તો ૧ જુલાઈ ૨૦૨૫ થી લાગુ થવાનો છે. જો કે, તે સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન, ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં એપ્રિલ મહિનામાં ૦.૫ પોઈન્ટનો વધારો નોંધાયો છે. જે કર્મચારીઓ માટે સકારાત્મક બાબત છે.
હાલમાં સરકારી કર્મચારીઓને ૫૫ ટકા મોંઘવારી ભથ્થું મળે છે. કર્મચારીઓના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ધારો કે તમે સરકારી કર્મચારી છો અને તમારો મૂળ પગાર ૨૦,૦૦૦ રૂપિયા છે. તમને ૨૦,૦૦૦ રૂપિયાના મૂળ પગાર પર ૫૫ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. ૨૦,૦૦૦ રૂપિયાના ૫૫ ટકા ૧૧,૦૦૦ રૂપિયા છે. એટલે કે ૨૦,૦૦૦ રૂપિયાના મૂળ પગાર પર ૧૧,૦૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ રીતે, કુલ પગાર ૩૧,૦૦૦ રૂપિયા થશે. કર્મચારીઓને દર મહિને પગાર સાથે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
