News of Wednesday, 4th June 2025
અમેરિકામાં ચીની સંશોધકોની ધરપકડ: ખતરનાક કૃષિ પેથોજનની તસ્કરીનો આરોપ: ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન
ખતરનાક કૃષિ પેથોજન (ફ્યુઝેરિયમ ગ્રેમિનિયરમ) એ એક પ્રકારની ફૂગ (ફંગસ) છે, જે ઘઉં, જવ, મકાઈ અને ચોખા જેવા પાકોમાં "હેડ બ્લાઈટ" નામનો રોગ ફેલાવે છે. પાકને નષ્ટ કરી દે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે દર વર્ષે અબજો ડોલરનું આર્થિક નુકસાન થાય છે, આ ફૂગના ઝેરી તત્ત્વો મનુષ્યો અને પશુઓમાં ઉલટી, યકૃતને નુકસાન અને પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો આને "સંભવિત કૃષિ આતંકવાદી હથિયાર" તરીકે વર્ણવે છે

અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ મિશિગન યુનિવર્સિટીની એક ચીની સંશોધક યુનકિંગ જિયાન (૩૩) અને તેના સાથી ઝુનયોંગ લિયુ (૩૪)ની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે ખતરનાક કૃષિ પેથોજન ફ્યુઝેરિયમ ગ્રેમિનિયરમને ગેરકાયદે અમેરિકામાં લઈ જઈને મિશિગન યુનિવર્સિટીની પ્રયોગશાળામાં સંશોધન કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવાઈ છે.
*ખતરનાક કૃષિ પેથોજન શું છે?* : ફ્યુઝેરિયમ ગ્રેમિનિયરમ એ એક પ્રકારની ફૂગ (ફંગસ) છે, જે ઘઉં, જવ, મકાઈ અને ચોખા જેવા પાકોમાં "હેડ બ્લાઈટ" નામનો રોગ ફેલાવે છે. આ રોગ પાકને નષ્ટ કરી દે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે દર વર્ષે અબજો ડોલરનું આર્થિક નુકસાન થાય છે. આ ફૂગના ઝેરી તત્ત્વો મનુષ્યો અને પશુઓમાં ઉલટી, યકૃતને નુકસાન અને પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો આને "સંભવિત કૃષિ આતંકવાદી હથિયાર" તરીકે વર્ણવે છે, કારણ કે તેનો દુરુપયોગ ખોરાકની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.
*ઘટનાની વિગતો* જુલાઈ ૨૦૨૪માં ઝુનયોંગ લિયુ ડેટ્રોઈટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર પ્રવેશતી વખતે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓએ તેના સામાનમાં ચાર પ્લાસ્ટિક બેગમાં લાલ રંગની વનસ્પતિ સામગ્રી જપ્ત કરી. શરૂઆતમાં લિયુએ આ સામગ્રી વિશે જાણકારી ન હોવાનો દાવો કર્યો, પરંતુ પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ ફ્યુઝેરિયમ ગ્રેમિનિયરમના નમૂના છે, જે તે યુનિવર્સિટીની પ્રયોગશાળામાં સંશોધન માટે લાવ્યો હતો. તેણે આ નમૂનાઓ ટીશ્યુમાં છુપાવ્યા હતા જેથી અધિકારીઓને શોધવામાં મુશ્કેલી પડે.
જિયાન, જે મિશિગન યુનિવર્સિટીમાં પોસ્ટડોક્ટરલ ફેલો તરીકે કામ કરે છે, તેણે એફબીઆઈની પૂછપરછમાં લિયુની યોજના વિશે કશું જાણવાનો ઇનકાર કર્યો. જોકે, તેમના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસમાં ૨૦૨૨ના વીચેટ સંદેશાઓ મળ્યા, જેમાં તેમણે જૈવિક સામગ્રીની તસ્કરીની ચર્ચા કરી હતી. લિયુએ બીજને તેના જૂતામાં છુપાવવાની વાત કરી, જેના જવાબમાં જિયાને તેને પ્રોત્સાહન આપ્યું.
*ચીન સરકાર સાથે સંબંધ*: એફબીઆઈના જણાવ્યા અનુસાર, જિયાને ચીન સરકાર તરફથી આ પેથોજન પર સંશોધન માટે ભંડોળ મળ્યું હતું અને તેના ફોનમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યેની વફાદારી દર્શાવતું નિવેદન મળ્યું. લિયુ ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીમાં સમાન પેથોજન પર સંશોધન કરે છે.
*કાનૂની કાર્યવાહી:* જિયાને ૩ જૂન, ૨૦૨૫ના રોજ ડેટ્રોઈટની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવી, જ્યાં તેને ફ્લાઈટ રિસ્ક ગણીને હિરાસતમાં રાખવામાં આવી. લિયુને એરપોર્ટ પર રોક્યા બાદ ચીન પરત મોકલવામાં આવ્યો, જેના કારણે તે હાલ ફરાર છે. બંને વિરુદ્ધ ષડયંત્ર, તસ્કરી, ખોટા નિવેદનો અને વિઝા છેતરપિંડીના આરોપો નોંધાયા છે.
*યુનિવર્સિટીનું નિવેદન*: મિશિગન યુનિવર્સિટીએ આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા અને તેના મિશન માટે ખતરો ગણાવ્યો. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું કે આ સંશોધન માટે ચીન સરકાર તરફથી કોઈ ભંડોળ મળ્યું નથી અને તે એફબીઆઈની તપાસમાં સહકાર આપી રહી છે.
*રાષ્ટ્રીય સુરક્ષા ચિંતા*: એફબીઆઈના ડિરેક્ટર કાસ પટેલે આ ઘટનાને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની અમેરિકન સંસ્થાઓમાં ઘૂસણખોરીનો પ્રયાસ ગણાવ્યો, જે ખોરાક પુરવઠાને જોખમમાં મૂકી શકે છે. યુએસ એટર્ની જેરોમ ગોર્ગન જુનિયરે આને "ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા ચિંતા" ગણાવી.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
