News of Wednesday, 4th June 2025
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ પર પ્રેરક માર્ગદર્શન - "સ્વાસ્થ્ય પણ અને સમૃદ્ધિ પણ!"
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ઝંડૂતા : બિલાસપુરમાં પ્રાદેશિક સંગોષ્ઠિ યોજાઈ : હિમાચલમાં 38,000 હેક્ટર જમીન પર 2.15 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, રાષ્ટ્રીય મોડેલ બનવા તરફ આગળ વધી રહ્યા છે

ગાંધીનગર : વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક એક પ્રાદેશિક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રાકૃતિક ખેતી: સમૃદ્ધિ, આરોગ્ય અને પર્યાવરણનો આધાર
આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર એક વૈકલ્પિક કૃષિ પદ્ધતિ નથી, પરંતુ તે ભારતના ખેડૂતોની સમૃદ્ધિ, સમાજના આરોગ્ય, પર્યાવરણના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસ માટેનો એક આધારસ્તંભ છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી માટે ચાલી રહેલા વ્યાપક પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી હતી. દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, હિમાચલનું હવામાન, જમીનની રચના અને મર્યાદિત ખેતીલાયક જમીન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે અત્યંત અનુકૂળ છે.
તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદિત અનાજ તથા શાકભાજી ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. આનાથી ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, રાસાયણિક ખેતીના દુષ્પરિણામો જેવા કે ભૂગર્ભજળનું પ્રદૂષણ, પશુઓ પર થતી નકારાત્મક અસર અને માનવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકાય છે.
આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના નાગરિકો અને ખેડૂત ભાઈઓને અભિનંદન આપતા કહ્યું કે, તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની આવક અને આરોગ્યમાં સુધારો તો કરી જ રહ્યા છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રને નવી દિશા પણ આપી રહ્યા છે. તેમણે સંગોષ્ઠિના સફળ આયોજન માટે ઝંડૂતાના ધારાસભ્ય જીતરામ કટવાલ, સાઈ ઈટરનલ ફાઉન્ડેશન, માનવ વિકાસ સંસ્થાન તથા સંબંધિત વિભાગો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને ખાસ કરીને ખેડૂત ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિમાચલ પ્રદેશ: પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રીય મોડેલ
આ સંગોષ્ઠિમાં હિમાચલ પ્રદેશના ટેકનિકલ શિક્ષણ અને નગર યોજનામંત્રી રાજેશ ધર્માણી, પૂર્વ મુખ્યમંત્રી અને પ્રતિપક્ષના નેતા જયરામ ઠાકુર, ઝંડૂતાના ધારાસભ્ય જીતરામ કટવાલ, નૈનાદેવીજીના ધારાસભ્ય રણધીર શર્મા, સદર બિલાસપુરના ધારાસભ્ય ત્રિલોક જામવાલ, ઘુમારવીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ગર્ગ, પદ્મશ્રી નેકરામ શર્મા, પદ્મશ્રી હરિમન શર્મા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના સમર્થનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે, જ્યારે આચાર્ય દેવવ્રતજી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા, ત્યારે વર્ષ 2018માં હિમાચલ સરકારે ₹25 કરોડના બજેટ સાથે પ્રાકૃતિક ખેતી – સુખી ખેડૂત યોજનાનો આરંભ કર્યો હતો. આજે આ યોજના હેઠળ 3,584 ગ્રામ પંચાયતોમાં 2,15,000થી વધુ ખેડૂતો લગભગ 38,000 હેક્ટર જમીન પર રાસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
વર્ષ 2018માં હિમાચલ પ્રદેશ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ટાસ્કફોર્સની રચના કરી હતી. ખેડૂતોને જાગૃત કરવા માટે રાષ્ટ્રીય સ્તરની સંગોષ્ઠિઓ યોજાઈ હતી અને નીતિ સ્તરે મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ એપેક્સ કમિટીની પણ રચના કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ કુલ ખર્ચનો 80% ભાગ કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનને ભારતીય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ (BPKP) અને ATMA Project સાથે સંકલન કરીને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત મહેમાનો દ્વારા હિમાચલ પ્રદેશને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય મોડલ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી મિશનને જનઆંદોલન રૂપે આગળ વધારવા માટે હાકલ કરવામાં આવી હતી. આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી હિમાચલ પ્રદેશ ભારતમાં પ્રાકૃતિક ખેતીનું એક અગ્રણી ઉદાહરણ બની રહ્યું છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
