News of Wednesday, 4th June 2025
જો ટ્રાફિક હશે તો ગ્રાહકના ખિસ્સામાંથી દર મિનિટે કપાશે પૈસા : રૈપિંડોની નવી ચાર્જિંગ સિસ્ટમથી રોષ
હવે જો તમારી રાઇડ દરમિયાન ઘણો ટ્રાફિક હોય અને મુસાફરીમાં વિલંબ થાય, તો તમારે તેનો ખર્ચ પણ ભોગવવો પડશે

નવી દિલ્હી :રાઇડ-હેઇલિંગ એપ રેપિડોએ એક નવી ચાર્જિંગ સિસ્ટમ રજૂ કરી છે, જેનાથી મુસાફરો ચોંકી ગયા છે. હવે જો તમારી રાઇડ દરમિયાન ઘણો ટ્રાફિક હોય અને મુસાફરીમાં વિલંબ થાય, તો તમારે તેનો ખર્ચ પણ ભોગવવો પડશે. 10 મિનિટથી વધુ ટ્રાફિક વિલંબ માટે દર મિનિટે 0.50 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 30 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ નિર્ણયને લઈને બેંગલુરુ જેવા શહેરોમાં રેપિડો સામે રોષનું વાતાવરણ છે. ઘણા વપરાશકર્તાઓએ આ નિયમને "અન્યાયી" અને "શોષણકારી" ગણાવ્યો છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ટ્રાફિક તેમના નિયંત્રણમાં નથી, તો પછી તેના માટે ચાર્જ કેમ લેવામાં આવી રહ્યો છે?
બેંગલુરુ જેવા શહેરોમાં રેપિડો તેના ગ્રાહકો પાસેથી ટ્રફિકને કારણે વધારાનો ચાર્જ વસુલી રહ્યા છે. એક ગ્રાહકે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "ડ્રાઇવરને તેનું વેતન મળવું જોઈએ, પરંતુ મુસાફરના નિયંત્રણમાં ન હોય તેવી વસ્તુ માટે ચાર્જ વસૂલવો ખોટું છે. આ સીધી રીતે ખંડણી જેવું લાગે છે."
તાજેતરમાં, જ્યારે કંપનીએ રાઇડ બુક કરતી વખતે 'ટિપ ઉમેરો' નો વિકલ્પ આપવાનું શરૂ કર્યું ત્યારે રેપિડો પર ટિપિંગ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. આ અંગે, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 21 મેના રોજ CCPA (સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. આ પછી રેપિડો, ઓલા અને ઉબેરે ભાષા બદલીને "Add more (voluntary)" કરી, પરંતુ વપરાશકર્તાઓ કહે છે કે અનુભવ હજુ પણ એ જ છે.
હાલમાં, CCPA સમગ્ર મામલાની સમીક્ષા કરી રહ્યું છે, પરંતુ રેપિડો તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે અને સરકાર આ અંગે કડક પગલાં લેશે તેવી અપેક્ષા છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
