News of Wednesday, 4th June 2025
ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ : ભાગદોડમાં ૧૧નાં મોત
RCBની જીતની ખુશી માતમમાં બદલાઈઃશાસનને જ્યાં ૨ લાખ લોકોની ભીડનું અનુમાન હતું, ત્યાં લગભગ ૬ લાખ લોકો મેદાન બહાર એકઠા થઈ ગયા

બેંગલુરુ, તા.૪ ૧૮ વર્ષ સુધી લાંબી રાહ જોયા બાદ આઈપીએલ ટ્રોફી અને શહેર આખામાં જશ્નની તૈયારી હતી, પણ આરસીબીની ઐતિહાસિક જીતનો આ જશ્ન માતમમાં ફેરવાઈ ગયો. જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભાગદોડમાં ૧૧ લોકોનાં મોત થઈ ગયાં. જ્યારે ૨૭થી વધારે લોકો ઘાયલ થઈ ગયા. પ્રશાસનને જ્યાં ૨ લાખ લોકોની ભીડનું અનુમાન હતું, ત્યાં લગભગ ૬ લાખ લોકો મેદાન બહાર એકઠા થઈ ગયા. સ્થિતિ એવી થઈ કે ૩૨૦૦૦ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં લગભગ ૧ લાખ લોકો જેમ તેમ કરીને ઘૂસી ગયા.
સ્ટેડિયમમાં પ્રવેશ માટે કેટલાય ગેટ હતા, પણ અફરાતફરી ફક્ત ત્યારે મચી ગઈ, જ્યારે ભીડનું પ્રેશર એક જ ગેટ પર આવી ગયું. પોલીસ અને સ્ટેડિયમ પ્રશાસને તરત લોકોને રોકવાની કોશિશ કરી, પણ લોકોએ કોઈની વાત સાંભળી નહીં.
કેટલાય તો દીવાલ કૂદીને અંદર ઘૂસતા દેખાયા. એક અધિકારીએ જણાવ્યું કે, *લોકો કોઈ પણ કિંમતે અંદર જવા માગતા હતા. તેમણે દરવાજો પણ ન જોયો, બસ આગળ વધતા રહ્યા.* સ્થાનિક લોકોએ કહ્યું કે, *ત્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેના કારણે અફરાતફરી મચી ગઈ.*
બહારનો માહોલ એકદમ જશ્ન જેવો હતો, લાખો લોકો ઢોલ નગારા પર નાચી રહ્યા હતા. ફટાકડા ફોડતા હતા અને વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓના કટઆઉટ પર માળા ચડાવી રહ્યા હતા. પણ જેવી ભીડ વધી અને બેકાબૂ થઈ કે ખુશીઓ ચીસોમાં બદલાઈ ગઈ. પોલીસની ચેતવણી અને બેરિકેડ્સને પાર કરતા લોકો સ્ટેડિયમ તરફ તૂટી પડ્યા.
આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. જેમને તાત્કાલિક બોવરિંગ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. હોસ્પિટલ બહાર હજુ પણ ભીડ છે. પોલીસ લોકોની ભીડ અને વિસ્તારને ખાલી કરવાનો અનુરોધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
આરસીબીની પહેલી જીત અને શહેરની દીવાનગી જોતાં, આ સવાલ ઉઠે છે કે આખરે પ્રશાસને ખાલી ૨ લાખની તૈયારી કેમ કરી? જ્યારે સોશિયલ મીડિયા પર પહેલાથી જ લાખો લોકો પહોંચવાની ચર્ચા હતી. ટ્રાફિક રૃટ, વૈકલ્પિક સ્થળ અથવા પ્રવેશ કંટ્રોલ જેવી કોઈ ખાસ રણનીતિ દેખાઈ નહીં.
RCBના એક ચાહકે કહ્યું, *અંદર પણ સીટો ભરેલી છે અને તેથી તેઓ અમને અંદર જવા દેતા નથી. અમે પાછા જવા માંગીએ છીએ, પણ અમને પાછા જવાની મંજૂરી નથી. ગેટ પર લોકોની ભીડ છે, જો તેઓ ગેટ ખોલશે તો પણ લોકો અંદર આવવા લાગશે અને ઘણા લોકો ઘાયલ થયા છે...*
કર્ણાટક ભાજપે કહ્યું, *૧૦ લોકો મૃત્યુ પામ્યા છે. કોંગ્રેસ સરકારની બેજવાબદારીના કારણે ભાગદોડ પછી ઘણા લોકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કોઈ મૂળભૂત વ્યવસ્થા નહોતી. ફક્ત અરાજકતા. જ્યારે નિર્દોષ લોકો મરી રહ્યા હતા, ત્યારે સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર ક્રિકેટરો સાથે રીલ્સ શૂટ કરવામાં અને લાઈમલાઈટ મેળવવામાં વ્યસ્ત હતા. આ ગુનાહિત બેદરકારી છે. કોંગ્રેસ સરકારના હાથ લોહીથી રંગાયેલા છે.*
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ કહ્યું, *આ હૃદયદ્રાવક ઘટના ટાળી શકાઈ હોત. રાજ્ય સરકારની મૂળભૂત વહીવટી દૂરંદેશીનો અભાવ અને ભીડને કાબૂમાં લેવામાં નિષ્ફળતાને કારણે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. જીવ બેદરકારીને કારણે ગયા, અકસ્માતે નહીં.*
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
