News of Thursday, 5th June 2025
ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના પરિવારના 21 સભ્યો માર્યા ગયા : જૈશ-એ-મોહમ્મદે કર્યો ખુલાસો
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરાઈ: તસવીરોમાં 21 કબરો દેખાઈ

નવી દિલ્હી :પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં, આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના પરિવારના લગભગ 21 સભ્યો માર્યા ગયા હતા. જેમાં આતંકવાદીનો ભાઈ, જીજા, સાળો અને પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થતો હતો. હવે પાકિસ્તાનના બહાવલપુર વિસ્તારમાં મરકઝ સુભાનલ્લાહ પાસેના કબ્રસ્તાનની ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરો ખુદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. તસવીરોમાં 21 કબરો દેખાઈ રહી છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ તસવીરો ફેસબુક પર શેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધી કબરો આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના સભ્યોની છે. શેર કરેલા વિડિયો અને તસવીરોના બેકગ્રાઉન્ડમાંથી મસૂદ અઝહરનો અવાજ પણ આવી રહ્યો છે. જેમાં મસૂદ જેહાદ પર ભાષણ આપી રહ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી મસૂદ અઝહરના લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતના જવાબી હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના પરિવારના 20થી વધુ લોકો પણ માર્યા ગયા હતા.
પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના સભ્યોનું પણ મોત થયું હતું. હવે, તેમની કબરોની તસવીરો બહાર આવતાં લોકોને ઓપરેશન સિંદૂરની સફળતાનો પુરાવો મળ્યો છે. આ ઓપરેશન હેઠળ, મોદી સરકારે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સીધો હુમલો કર્યો હતો.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ આતંકવાદ સામે સૌથી મોટું અભિયાન શરૂ કર્યું હતું. બહાવલપુરમાં આતંકવાદીઓની કબરોની તસવીરો સામે આવ્યા પછી, આખી દુનિયાને આ ઓપરેશનનો પુરાવો મળી ગયો છે. સેનાની આ કાર્યવાહીથી આતંકવાદીઓનું નેટવર્ક કચડી નાખવામાં આવ્યું છે. આ સાથે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પણ ઘણું નબળું પડી ગયું છે
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
