News of Thursday, 5th June 2025
ઉત્તર પ્રદેશમાં નકલી સૈન્ય ભરતી કેન્દ્રનો પર્દાફાશ: ૬૦૦ યુવાનો સાથે જબરો ફ્રોડ: ૪૦૦ પાસેથી બે થી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા: ૧૮ કરોડની ઠગાઈ: મુખ્ય આરોપી અરવિંદ પાંડે અને સહાયક સુમિત્રા સેનાપતિની ધરપકડ
પોતાને સેનાના અધિકારી તરીકે રજૂ કરી, નકલી યુનિફોર્મ અને દસ્તાવેજોનો ઉપયોગ કરતા'તા: આરોપીઓના કબજામાંથી નકલી એરગન, ખોટા દસ્તાવેજો જપ્ત કર્યા

મૈનપુરી, ઉત્તર પ્રદેશમાં ભારતીય પોલીસ પ્રોટેક્શન ફોર્સ (બીપીપીએફ) નામના નકલી સૈન્ય ભરતી કેન્દ્રનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી અરવિંદ પાંડે અને સહાયક સુમિત્રા સેનાપતિની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે સેનામાં નોકરીનું ખોટું આશ્વાસન આપી, ચારસો યુવાનો પાસેથી બે થી ત્રણ લાખ રૂપિયા વસૂલીને લગભગ અઢાર કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે નકલી દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરી, વધુ તપાસ ચાલુ છે.
સમગ્ર ઘટના જોઈએ તો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં ભારતીય પોલીસ પ્રોટેક્શન ફોર્સ (બીપીપીએફ) નામના એક નકલી સૈન્ય ભરતી કેન્દ્રનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડના મુખ્ય આરોપી અરવિંદ પાંડે અને તેની સહાયક સુમિત્રા સેનાપતિની મૈનપુરી પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગ યુવાનોને ભારતીય સેનામાં નોકરીનું ખોટું આકર્ષણ બતાવી, તાલીમના નામે દરેક યુવાન પાસેથી બે થી ત્રણ લાખ રૂપિયા વસૂલતી હતી. અત્યાર સુધીમાં આશરે ચારસો યુવાનો સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે, અને આ ગેંગે લગભગ અઢાર કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આરોપ છે.
મૈનપુરી પોલીસ અધિક્ષક ગણેશ પ્રસાદ સાહાએ જણાવ્યું કે, અરવિંદ પાંડે દ્વારા ભારતીય પોલીસ પ્રોટેક્શન ફોર્સ (બીપીપીએફ) અને હિન્દુસ્તાન રક્ષા ધર્મ નામના બે નકલી તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવતા હતા. આ કેન્દ્રો યુવાનોને સેનામાં ભરતીની ખાતરી આપીને ઠગતા હતા. આરોપીઓ યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને આકર્ષતા હતા. તેઓ પોતાને સેનાના અધિકારી તરીકે રજૂ કરી, નકલી યુનિફોર્મ અને દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી નકલી એરગન, ખોટા દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, આ ગેંગે લગભગ છસો યુવાનોને નોકરીનું ખોટું આશ્વાસન આપીને ઠગ્યા હતા, જેમાંથી ચારસો યુવાનોએ નાણાં ચૂકવ્યા હતા. આ ઠગાઈનો ભોગ બનેલા યુવાનો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોના હતા, જેમની દેશભક્તિ અને સેનામાં જોડાવાની લાગણીનો આરોપીઓએ ગેરલાભ લીધો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
