News of Thursday, 5th June 2025
ગટર પરનો ટેમ્પરરી સ્લેબ એના પર ઊભેલા લોકોના ભારને લીધે તૂટી પડયો અને નાસભાગ મચી
RCB ૧૮ વર્ષે BIPL જીતી એની ઉજવણી માતમમાં ફરેવાઇ ગઇ

બૅન્ગલુરુ, તા.૫: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) ટીમને તેમની પ્રથમ IPL જીત બાદ સન્માનિત કરવા માટે ગઈ કાલે બૅન્ગલોરના એમ. એ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમ વખતે સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે ૫૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. ૧૮ વર્ષ બાદ RCBની ટીમે IPL ટ્રોફી જીતી એની ઉજવણીનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો હતો.
નાસભાગની ઘટના અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની જાણકારી હોવા છતાં સ્ટેડિયમમાં RCBનો સત્કાર સમારોહ ચાલુ રહ્યો હતો અને લોકોએ એની ભારે ટીકા કરી હતી. લોકોએ સોશ્યલ મીડિયામાં પણ આ માટે ટીમ મૅનેજમેન્ટની ઝાટકણી કાઢી હતી. એ પછી આ કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટરોને હોટેલમાં પાછા મોકલવામાં આવ્યા હતા.
પાસથી એન્ટ્રી હોવા છતાં ભીડ : કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માન્ય ટિકિટ અને પાસ ધરાવતા લોકોને જ સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવવાની હતી, પણ ૩૫,૦૦૦ લોકોની બેસવાની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની બહાર આશરે બેથી ત્રણ લાખ લોકો આવી જતાં ભારે ગિરદી થઈ હતી અને એમાં આ દુર્ઘટના બની હતી. ચાહકો તેમની ફેવરિટ ટીમના ક્રિકેટરોની એક ઝલક જોવા માટે પરિસરમાં ઊમટી પડ્યા હતા.
આ દુર્ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ સ્ટેડિયમ પરિસરની નજીક ગટર પર મૂકવામાં આવેલા એક કામચલાઉ સ્લૅબ પર મોટી સંખ્યામાં લોકો ઊભા હતા અને તેમના ભારથી સ્લૅબ તૂટી પડ્યો હતો. અચાનક આમ થવાથી ગભરાટ ફેલાયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી.
મળતી જાણકારી મુજબ એકબીજા પર લોકો પડતાં ઘણા યુવાનો અને ૧૩ વર્ષનો એક કિશોર ચગદાઈ ગયા હતા અને તેમનાં મળત્યુ થયાં હતાં. મોટા ભાગના લોકોનાં મળત્યુ ગંભીર ઈજા થવાથી અને શ્વાસ લેવામાં તકલીફથી થયાં હતાં. જીવ ગુમાવનારાઓમાં ૧૩થી ૩૫ વર્ષના યુવાનો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ નાસભાગમાં ૧૧ લોકોનાં મળત્યુના અહેવાલને પુષ્ટિ આપી હતી અને આ દુર્ઘટનાની જુડિશ્યલ તપાસનો આદેશ આપ્યો હતો. ૧૫ દિવસમાં એનો અહેવાલ આવશે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને કર્ણાટક સરકાર તરફથી ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
