<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

શું કોંગ્રેસ ઇન્‍ડિયા એલાયન્‍સમાંથી બહાર થશે? ત્રીજા મોરચાની માંગ

AAPએ રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિરૂધ્‍ધ ઝુંબેશ શરૂ કરી :દિલ્‍હીના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી આતિશીએ ઇન્‍ડિયા બ્‍લોકની સુસંગતતા પર પ્રશ્‍ન ઉઠાવ્‍યો છે અને ત્રીજો મોરચો બનાવવાનું સૂચન કર્યુ છે : તેમણે કોંગ્રેસ પર ભાજપ સાથે અઘોષિત જોડાણ હોવાનો આરોપ લગાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૬: દિલ્‍હીના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા આતિશીએ વિપક્ષી જોડાણ ઇન્‍ડિયા બ્‍લોકની સુસંગતતા પર પ્રશ્‍ન ઉઠાવ્‍યો છે. તેમણે કહ્યું કે બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ પક્ષોએ હવે ત્રીજો મોરચો બનાવવા વિશે વિચારવું જોઈએ. AAP નેતાનો આરોપ છે કે કોંગ્રેસે ભાજપ સાથે અઘોષિત જોડાણ કર્યું છે, તેથી નેશનલ હેરાલ્‍ડ કેસના આરોપીઓ અને રોબર્ટ વાડ્રા જેવા લોકો જેલમાં જવાના નથી. ઓપરેશન સિંદૂર પછી, કોંગ્રેસ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે. તે આ મુદ્દા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહી હતી. તાજેતરમાં, આ અંગે ઇન્‍ડિયા એલાયન્‍સની એક બેઠક પણ યોજાઈ હતી, પરંતુ AAP નેતાઓ તેમાં હાજર રહ્યા ન હતા.

AAP નેતા આતિશીએ કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે ‘અઘોષિત ગઠબંધન'નો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્‍યો છે કે કેન્‍દ્ર સરકાર બાકીના વિપક્ષી નેતાઓને હેરાન કરી રહી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા નથી. કોંગ્રેસની ભૂમિકા પર નિરાશા વ્‍યક્‍ત કરતા, આતિશીએ કહ્યું કે કોંગ્રેસે ઇન્‍ડિયા એલાયન્‍સનું નેતળત્‍વ કરવું જોઈતું હતું, કારણ કે તે સૌથી મોટી પાર્ટી છે અને તમામ રાજ્‍યોમાં હાજરી ધરાવે છે. તેણે બધાને સાથે લઈ જવું જોઈતું હતું.

ત્રીજા મોરચા વિશે, આતિશી કહે છે કે બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ પક્ષોએ દેશમાં બની રહેલી ઘટનાઓ પર ચોક્કસપણે વિચાર કરવો જોઈએ. તેમણે રાજ્‍યોના અધિકારો અને નેતાઓના ઉત્‍પીડન વિશે વિચારવું જોઈએ. તેમના મતે, વર્તમાન પરિસ્‍થિતિઓમાં ત્રીજો મોરચો એક સારો વિકલ્‍પ બની શકે છે. આતિશીએ કોંગ્રેસના નેતાઓ પર ભાજપની ભાષા બોલવાનો આરોપ લગાવ્‍યો. આ માટે, તેમણે રાહુલ ગાંધીના કેરળ પ્રવાસનું ઉદાહરણ આપ્‍યું. આતિશીએ કહ્યું કે રાહુલ ગાંધીએ કેરળના મુખ્‍યમંત્રી પિનરાઈ વિજયનની ટીકા કરી હતી, જ્‍યારે વિજયન ઓલ ઈન્‍ડિયા એલાયન્‍સના સહયોગી સીપીએમના નેતા છે. આતિશીના મતે, રાહુલ ગાંધી ‘ભાજપની ભાષા'માં બોલે છે.

તેમણે દિલ્‍હી એક્‍સાઇઝ પોલિસી કેસનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અને ભાજપ પર ‘અઘોષિત ગઠબંધન' હોવાનો આરોપ લગાવ્‍યો. આપ નેતા માને છે કે જ્‍યારે તેમના નેતાઓ જેમ કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ આ કેસમાં જેલમાં ગયા છે, ત્‍યારે નેશનલ હેરાલ્‍ડ કેસમાં કોઈ જેલમાં ગયું નથી. નોંધનીય છે કે રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી આ કેસમાં મુખ્‍ય આરોપી છે અને જામીન પર બહાર છે. આતિશીએ આરોપ લગાવ્‍યો કે ભાજપમાં જોડાનારા નેતાઓ સામેના કેસ બંધ થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે પણ આવું જ થઈ રહ્યું છે.

રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું, ‘જરા પેટર્ન જુઓ, ફક્‍ત તે નેતાઓના કેસ બંધ છે જે ભાજપમાં જોડાય છે... કોંગ્રેસ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. આ પેટર્ન તમને શું કહે છે? આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં કેવી રીતે જાય છે... તમે ટીએમસીના અભિષેક બેનર્જી, સીપીએમના પિનરાઈ વિજયનની પુત્રી સામે કેસ દાખલ કરી રહ્યા છો. કોંગ્રેસના કિસ્‍સામાં આવું કેમ નથી થતું? તેમના નેતાઓ જેલમાં કેમ નથી જતા? તો ચોક્કસપણે એક અઘોષિત ગઠબંધન છે.'

(3:55 PM IST)