News of Friday, 6th June 2025
લખનૌમાં ખળભળાટ મચાવતો કિસ્સો : રાક્ષસે અઢી વર્ષની માસૂમ બાળકી પર આચર્યો દુષ્કર્મ : પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો!
CCTV ફૂટેજથી ઓળખાયેલો બળાત્કારી દીપક વર્મા જિલ્લા છોડીને ભાગવાનો પ્રયાસ કરતા જ પોલીસના હાથે ચડ્યો : પાંચ ટીમોની મહેનત રંગ લાવી : લાખોના ઇનામની જાહેરાત પહેલા જ પત્યું પ્રકરણ

લખનૌ, [જૂન ૬, ૨૦૨૫]: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. શુક્રવારે વહેલી સવારે પોલીસે અઢી વર્ષની એક માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આરોપી દીપક વર્મા પોલીસથી બચીને જિલ્લાની સીમા છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ પોલીસ સાથે તેનો સામનો થયો હતો. આ ઘટનાએ લખનૌમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે.
મધ્યરાત્રિએ અપહરણ અને ક્રૂરતાની હદો પાર
આલમબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, ત્રણ વર્ષની એક દિવ્યાંગ બાળકી તેના માતાપિતા સાથે રહેતી હતી. આરોપી દીપક વર્માએ મધ્યરાત્રિએ આ માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આલમબાગ મેટ્રો સ્ટેશન નજીક બાળકી પર આ ક્રૂર કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેણે માનવતાની તમામ હદો પાર કરી દીધી હતી.
ડીસીપી સેન્ટ્રલ આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 5 જૂને સવારે 10 વાગ્યે આ અંગે ફરિયાદ મળી હતી. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર થયો હોવાનું જણાવાયું હતું. આ ગંભીર મામલે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે પોલીસની પાંચ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.
CCTV ફૂટેજ અને એન્કાઉન્ટરની સચોટ યોજના
પોલીસ ટીમોએ ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આસપાસના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરતા આરોપીની ઓળખ દીપક વર્મા તરીકે થઈ હતી. પોલીસ કમિશનર દ્વારા આરોપી પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, ઇનામની જાહેરાત થાય તે પહેલાં જ, બાતમીદાર તરફથી પોલીસને ચોક્કસ માહિતી મળી કે આરોપી દીપક વર્મા તે વિસ્તારમાં જ છે અને જિલ્લા છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ સચોટ માહિતીના આધારે, પોલીસ ટીમે આરોપીનો ઘેરો ઘાલ્યો. પોતાને ચારેબાજુથી ઘેરાયેલો જોઈને આરોપી દીપક વર્માએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસની જવાબી કાર્યવાહીમાં, આરોપીને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી ત્યાં તેનું મૃત્યુ થયું.
ડીસીપી સેન્ટ્રલે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી ઐશબાગ વિસ્તારનો રહેવાસી છે. તે રેલ્વેમાં પાણી વેચનાર તરીકે કામ કરતો હતો અને જાગરણ વગેરે જેવા કાર્યક્રમોમાં ટેબ્લો પરફોર્મર તરીકે પણ કામ કરતો હતો. ઘટનામાં વપરાયેલી સ્કૂટી તેની પાસેથી મળી આવી છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ એન્કાઉન્ટરથી લખનૌ પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે નિર્દોષો પર અત્યાચાર ગુજારનારને બક્ષવામાં નહીં આવે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
