News of Saturday, 7th June 2025
ગુમ થયેલ હનીમૂન કપલ કેસ: પતિનો હત્યા કરેલ મૃતદેહ મળ્યો, પત્ની સોનમ લાપતા, અપહરણ કરી બાંગ્લાદેશ લઈ જવાયાની આશંકા

શિલૉન્ગ: ઇન્દોરથી હનીમૂન માટે શિલૉન્ગ ગયેલા રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશીના ગુમ થવાના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અગાઉ, આ દંપતીના શિલૉન્ગની એક હોટેલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં તેઓ ૨૧ મેના રોજ હોટેલમાં ચેક-ઇન કરતા જોવા મળ્યા હતા. જોકે, આ પછી ૨૩ મેથી બંને ગુમ થઈ ગયા હતા.
હવે, આ મામલે વધુ ચોંકાવનારા સમાચાર એ છે કે, રાજા રઘુવંશીનો મૃતદેહ ૨ જૂનના રોજ મેઘાલયના વેઈસાવડૉન્ગ ધોધ નજીક એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો છે, જ્યારે તેમની પત્ની સોનમ હજી પણ લાપતા છે.
રાજાનો મૃતદેહ મળ્યો, હત્યાની પુષ્ટિ: મેઘાલય પોલીસે ૨ જૂનના રોજ રાજા રઘુવંશી (ઉંમર ૨૯ વર્ષ)નો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તેમના જમણા હાથ પર "રાજા" લખેલા ટેટૂ પરથી તેમની ઓળખ થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે રાજાની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી હતી.
મૃતદેહ પાસેથી સફેદ ટી-શર્ટ, મોબાઇલ ફોન, સ્માર્ટવૉચ અને દવાઓની સ્ટ્રીપ મળી આવી હતી. રાજાના મૃતદેહનો અંતિમ સંસ્કાર ઇન્દોરમાં કરવામાં આવ્યો છે.
સોનમ લાપતા, અપહરણની આશંકા: રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યા બાદ પણ તેમની પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનોએ સોનમને અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ જવાની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસ અને એનડીઆરએફની ૧૭ સભ્યોની ટીમ સોનમને શોધવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે. મેઘાલયની પહાડી પરથી સોનમનો રેઈનકોટ પણ મળી આવ્યો છે.
આખરી લોકેશન અને ઘટનાક્રમ: એક્ટિવાની જીપીએસ લોકેશન મુજબ, રાજા અને સોનમ સાથેની ઘટના ૨૩ મેના રોજ બપોરે ૨ વાગ્યાથી ૨:૩૦ વાગ્યાની વચ્ચે બની હોવાનું મનાય છે. આ સમયગાળામાં એક્ટિવાની ગતિ શૂન્ય થઈ ગઈ હતી. એવી આશંકા છે કે આ જ સમયે હુમલાખોરોએ રાજાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને સોનમનું અપહરણ કરી લીધું.
હનીમૂનનું બદલાયેલું સ્થળ: રાજા અને સોનમના લગ્ન ૧૧ મેના રોજ થયા હતા. તેઓ પહેલાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હનીમૂન પર જવાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાને કારણે તેમણે તેમનો પ્લાન બદલ્યો અને શિલૉન્ગ જવાનું નક્કી કર્યું હતું.
આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ છે અને વડાપ્રધાન તથા ગૃહમંત્રી સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. સોનમની શોધખોળ માટે તેમના ઘરની બહાર ઊંધી તસવીર પણ લગાવવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
