<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

હિમાચલમાં સોનિયા ગાંધીની તબિયત લથડી : શિમલા IGMC હોસ્પિટલમાં દાખલ કરાયા : ડોકટરોની ટીમ દ્વારા તપાસ શરૂ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી સાથે 2 જૂનથી છરાબડા ફાર્મહાઉસમાં હતા : સ્વાસ્થ્ય સ્થિતિ અંગે હજુ સ્પષ્ટતા નહીં : સમર્થકોમાં ચિંતા

શિમલા, 7 જૂન, 2025: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની તબિયત શુક્રવારે અચાનક લથડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં નિષ્ણાત ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે, જોકે તેમની બીમારીની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીની તબિયતને લઈને તબીબો દ્વારા સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. સોનિયા ગાંધી હાલમાં જ 2 જૂને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે શિમલા આવ્યા હતા. તેઓ અહીં છરાબડા સ્થિત પોતાના ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા, જ્યાંથી આજે અચાનક તબિયત બગડતા તેમને IGMC લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પ્રશાસન દ્વારા હાલમાં કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ પાર્ટી તરફથી પણ અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે સામાન્ય જનતા અને તેમના સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. IGMC માં ડોકટરોની એક વિશેષ ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને સતત જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી આ પહેલા પણ સ્વાસ્થ્ય લાભ માટે હિમાચલના શાંત વાતાવરણમાં કેટલાક દિવસો વિતાવવા આવતા રહ્યા છે. પ્રિયંકા ગાંધીનું આ ફાર્મ હાઉસ લાંબા સમયથી ગાંધી પરિવારના ખાનગી રિ-ટ્રીટ તરીકે જાણીતું છે.

 

(6:40 PM IST)