News of Saturday, 7th June 2025
ડોમ્બિવલીમાં દુષ્કર્મને કારણે 17 વર્ષની સગીરા ગર્ભવતી બની :આરોપી સગાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી
કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી :દંડની રકમમાંથી 18 હજાર રૂપિયા સગીરાને વળતર તરીકે આપવાનો આદેશ

થાણે: થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે દુષ્કર્મને કારણે 17 વર્ષની સગીરા ગર્ભવતી બનવાના કેસમાં કોર્ટે આરોપી સગાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
વિશેષ જજ એ. ડી. હરનેએ આરોપી જીવણ અશોક વડવિન્દેને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 20 વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. દંડની રકમમાંથી 18 હજાર રૂપિયા સગીરાને વળતર તરીકે આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
કોર્ટે ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસીસ ઓથોરિટીને પણ પીડિતા માટે વળતરનું માપદંડ નક્કી કરવાની ભલામણ કરી હતી. આ આદેશ સપ્તાહ પહેલાં અપાયો હતો, જેની નકલ શનિવારે પ્રાપ્ત થઈ હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર આરોપીઓ પાંચમી જુલાઈ, 2020ની રાતે ડોમ્બિવલી ખાતેના સગાના ઘરમાં ગયો હતો, જ્યાં સગીરા પર જાતીય હુમલો કર્યો હતો. એક મહિના પછી સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં ગુનો પ્રકાશમાં આવ્યો હતો.
જજ હરનેએ પીડિતાના પુરાવા, મેડિકલ રિપોર્ટ્સ અને પીડિતા સગીરા હોવાનું પુરવાર કરવા તેના જન્મના દાખલા પર નોંધપાત્ર ભાર આપ્યો હતો.
કોર્ટે આ ગુનાની સામાજિક અસરોને ધ્યાનમાં લેવી આવશ્યક છે, ખાસ કરીને જ્યારે મહિલા સામેનો ગુનો હોય. કોર્ટે ગુનાની ગંભીરતાને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પીડિતાની ઉંમર અને પીડિતાને સમાજમાં બદનામી સહિતની ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેને પણ ધ્યાનમાં લેવામાં આવી હોવાનું ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
