News of Sunday, 8th June 2025
રાજસ્થાનના ભરતપુરમાં ભયાનક અકસ્માત : કારમાં આગ લાગતા સરકારી ડોક્ટર જીવતા ભૂંજાઈ ગયા
ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે અથડાયા બાદ કારમાં આગ ભભૂકી : દરવાજામાં ફસાઈ જતા સવાઈ માધોપુરના ડોક્ટર વિનોદ મીણાનું કરુણ મોત : બચાવવાના પ્રયાસો નિષ્ફળ

જયપુર : રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક સરકારી ડોક્ટર પોતાની કારમાં જીવતા ભૂંજાઈ ગયા. આ ભયાનક અકસ્માત શનિવારે ભરતપુર જિલ્લાના ભુસાવરમાં બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, સવાઈ માધોપુર જિલ્લાના ૪૦ વર્ષીય ડોક્ટર વિનોદ મીણા, જે છેલ્લા પાંચ વર્ષથી ભુસાવર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા હતા, તેમની કાર અનિયંત્રિત થઈને એક ડાયગ્નોસ્ટિક સેન્ટર (દુકાન) સાથે અથડાઈ હતી. અથડામણ બાદ કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કાર દુકાનમાં ફસાઈ જતાં તેના દરવાજા ખોલી શકાયા ન હતા, અને ડોક્ટર વિનોદ મીણા કારમાં જ જીવતા સળગી ગયા.
ભુસાવર પોલીસ સ્ટેશનના SHO નરેશ કુમારે જણાવ્યું કે, ડોક્ટર મીણા શનિવારે સાંજે વિયર કસબા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર અનિયંત્રિત થઈને રોડની બીજી બાજુ આવેલા ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે અથડાઈ ગઈ હતી. કાર સેન્ટરની અંદર એટલી ફસાઈ ગઈ હતી કે દરવાજા ખોલવા મુશ્કેલ બની ગયા હતા.
એસએચઓ કુમારે વધુમાં જણાવ્યું કે, જેવો વાહનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, ડોક્ટર મીણાએ કારને પાછળ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર પાછળની દીવાલ સાથે અથડાઈ, જેના કારણે તરત જ આગ ભભૂકી ઉઠી. આસપાસ ઉભેલા લોકોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હોવા છતાં, આગ ઝડપથી ફેલાઈ ગઈ અને મીણાનું કારમાં જ કરુણ મૃત્યુ થયું. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટરો અને પોલીસે આગ પર કાબૂ મેળવ્યો હતો.
મૃતક ડોક્ટર વિનોદ મીણાની પત્ની બાંસવાડા જિલ્લામાં શિક્ષિકા છે અને તેમને દોઢ વર્ષનો એક પુત્ર છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
