તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Sunday, 8th June 2025
ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : લખનઉમાં ભવ્ય સમારોહમાં અખિલેશ યાદવ, જયા બચ્ચન સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત
વ્હાઇટ અને ગુલાબી ડ્રેસમાં સજીને દેખાયા રિન્કુ-પ્રિયા : બંનેની ખાસ ડિઝાઈનર રિંગ્સની કિંમત ₹૨.૫ લાખ : મહેમાનો માટે ખાસ મેનુ તૈયાર કરાયું

લખનઉ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP) ના યુવા સાંસદ પ્રિયા સરોજે આજે ૮ જૂન, રવિવારે પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. આ ભવ્ય રિંગ સેરેમની લખનઉની પંચતારા હોટેલ સેન્ટ્રમમાં યોજાઈ હતી, જેમાં રાજકીય અને રમતગમત જગતની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
રિંગ સેરેમનીમાં રિન્કુ સિંહ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા હતા, જ્યારે પ્રિયા સરોજે ગુલાબી રંગનો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો. સ્ટેજ પર પહોંચતા જ પ્રિયા સરોજની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. બાદમાં બંનેએ હસતા હસતા પોઝ આપ્યા હતા. આ સમારોહમાં લગભગ ૩૦૦ મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, પ્રોફેસર રામગોપાલ યાદવ, બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન, તેમજ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા જેવા અગ્રણી નામો સામેલ હતા. ક્રિકેટ જગતમાંથી પૂર્વ ક્રિકેટર્સ પ્રવીણ કુમાર અને પીયૂષ ચાવલા ઉપરાંત યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સગાઈ માટે બંનેએ એકબીજા માટે ખાસ રિંગ્સ મંગાવી હતી. પ્રિયાએ કોલકાતાથી ડિઝાઈનર રિંગ ખરીદી હતી, જ્યારે રિન્કુએ મુંબઈથી ખાસ અંગૂઠી મંગાવી હતી. બંને અંગૂઠીઓની કુલ કિંમત આશરે ₹૨.૫ લાખ હોવાનું કહેવાય છે. મેનુ પણ ખાસ કરીને કપલની પસંદગી અનુસાર તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રિયાએ પોતાની પસંદગીના બંગાળી રસગુલ્લા અને કાજુ પનીર રોલને ડિશમાં સામેલ કરાવ્યા હતા, જ્યારે રિન્કુની પસંદગીની પનીર ટિક્કા અને મટર મલાઈ પણ મેનુમાં સામેલ હતી.
આ કાર્યક્રમમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. ૩૦૦ મહેમાનોને જ વિશેષ પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. હોટેલની અંદર અને બહાર ખાનગી સુરક્ષા અને પોલીસ તૈનાત હતી. એક વિશેષ સુરક્ષા ટીમ પણ સતર્ક મોડ પર હતી જેથી કોઈ પણ વીઆઈપીને કોઈ પરેશાની ન થાય.
આ ખાસ અવસર માટે પ્રિયા સરોજે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને સાંસદ ડિમ્પલ યાદવને વિશેષ રૂપે આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેમાં રામગોપાલ યાદવ અને પુષ્પેન્દ્ર સરોજ જેવા નામો સામેલ છે.
૨૭ વર્ષીય રિન્કુ સિંહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તાજેતરની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો ભાગ હતા, જોકે તેમનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. ડાબા હાથના બેટ્સમેન રિન્કુ સિંહે કુલ ૧૧ ઇનિંગ્સમાં ૨૯.૪૨ ની સરેરાશ અને ૧૫૩.૭૩ ના સ્ટ્રાઈક-રેટથી ૨૦૬ રન બનાવ્યા હતા. રિન્કુ સિંહે ભારત માટે અત્યાર સુધી ૨ વનડે અને ૩૩ ટી૨૦ મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેણે વનડેમાં ૨૭.૫૦ ની સરેરાશથી ૫૫ રન બનાવ્યા છે, જ્યારે ટી૨૦ ઇન્ટરનેશનલમાં રિન્કુના નામે ૪૨.૦૦ ની સરેરાશથી ૫૪૬ રન નોંધાયેલા છે. હવે રિન્કુ ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામેની ટી૨૦ સીરીઝમાં રમતા જોવા મળી શકે છે.
પ્રિયા સરોજની વાત કરીએ તો, તેમણે ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મછલીશહર બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે બી.પી. સરોજને ૩૫૮૫૦ મતોના અંતરથી હરાવ્યા હતા. પ્રિયા સરોજનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૯૮ ના રોજ વારાણસીમાં થયો હતો. પ્રિયાએ પોતાનો શાળાકીય અભ્યાસ નવી દિલ્હી સ્થિત એર ફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા અને નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. પ્રિયાના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં કેરાકટ બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
