તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 8th June 2025
મુંબઈની ૯૬ જોખમી ઇમારતો પર તોળાયો ખાલી કરાવવાનો ખતરો : ૨૪૦૦ પરિવારોને MHADA દ્વારા ₹૨૦,૦૦૦ માસિક ભાડું સહાય મળશે
વરસાદ પહેલા સંભવિત દુર્ઘટનાઓ ટાળવા MHADA નો નિર્ણય : ૧૮૪ રહેવાસીઓને નોટિસ અપાઈ : મોટાભાગના પરિવારોએ હજુ ઘર ખાલી કર્યા નથી : ટ્રાન્ઝિટ કેમ્પમાં મર્યાદિત સુવિધાને કારણે નાણાકીય સહાયનો વિકલ્પ

મુંબઈ : મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ મુંબઈ શહેરની ૯૬ સૌથી જૂની અને જોખમી ઇમારતોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ચોમાસાની ઋતુ પહેલા કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઇમારતોમાં રહેતા અંદાજે ૨૪૦૦ પરિવારોને અન્યત્ર ભાડાનું ઘર શોધવામાં મદદ કરવા માટે MHADA દ્વારા દર મહિને ₹૨૦,૦૦૦ ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. MHADA એ તેની વેબસાઇટ પર તમામ ૯૬ જોખમી ઇમારતોની યાદી પણ જાહેર કરી દીધી છે.
MHADA ની વેબસાઇટ મુજબ, આ ૯૬ ઇમારતોમાંથી કુલ ૧૮૪ નિવાસીઓને ઘર ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી છે. જોકે, તેમાંથી માત્ર ૩ નિવાસીઓ જ ટ્રાન્ઝિટ કેમ્પમાં સ્થળાંતર કરી શક્યા છે. નોટિસ મળવા છતાં, ૧૭૬ ઘરો હજુ સુધી ખાલી કરાયા નથી અને કોઈ પણ નિવાસીએ રહેવા માટે સ્વતંત્ર રીતે અન્ય કોઈ વ્યવસ્થા કરી નથી. બાકીની ઇમારતોમાં રહેતા લોકોને પણ ઘર ખાલી કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઓથોરિટીના જણાવ્યા મુજબ, આ ૯૬ ઇમારતોમાં કુલ ૩૧૬૨ ભાડૂતો અને નિવાસીઓ છે, જેમાં ૨૫૭૭ રહેણાંક એકમો અને ૫૮૫ દુકાનો તથા ઓફિસોનો સમાવેશ થાય છે.
ભાડા માટે ₹૨૦,૦૦૦ પ્રતિ માસની સહાય:
MHADA એ ઘોષણા કરી છે કે જે પરિવારો આ જોખમી ઇમારતોમાં રહે છે, તેમને અન્યત્ર ભાડાનું ઘર લેવા માટે દર મહિને ₹૨૦,૦૦૦ આપવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવા પડ્યો છે કારણ કે ઓથોરિટીના પોતાના ટ્રાન્ઝિટ કેમ્પમાં ફક્ત ૭૮૬ ઘરો જ ઉપલબ્ધ છે, જે જરૂરિયાત કરતાં ઘણા ઓછા છે. આ કારણોસર લોકોને આર્થિક મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંસ્થાએ ૪૦૦ નવા અસ્થાયી ઘરો ત્રણ વર્ષના લીઝ પર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ઘરો ૧૮૦ થી ૨૫૦ ચોરસ ફૂટના હશે.
મોનસૂન પહેલા કરાયેલો સર્વે:
MHADA ના એક યુનિટ, મુંબઈ બિલ્ડિંગ રિપેર અને રિકન્સ્ટ્રક્શન બોર્ડ (MBRRB) એ મોનસૂન પહેલા એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં ૯૬ ઇમારતોને રહેવા માટે સૌથી અસુરક્ષિત ગણાવી હતી. લોકોના જીવને જોખમ જોતા, ઓથોરિટીના સીઈઓ અને ઉપાધ્યક્ષ સંજીવ જયસ્વાલે તરત જ આ ઇમારતોને ખાલી કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઘોષણા કરી હતી કે જે પરિવારો આ ઇમારતોમાં રહે છે તેમને બીજી જગ્યાએ ભાડાનું ઘર લેવા માટે દર મહિને ₹૨૦,૦૦૦ ની મદદ કરવામાં આવશે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
