News of Sunday, 8th June 2025
પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયેલા જસબીર સિંહનાં મોબાઇલમાંથી ૧૫૦ પાકિસ્તાની નંબર મળ્યા : મહિલા મિત્રની ભૂમિકા પણ સામે આવી
મોહાલીમાં ગુપ્તચર એજન્સીઓની તપાસ તેજ : જસબીર ISI એજન્ટો અને પાકિસ્તાની સેનાના અધિકારીઓના સંપર્કમાં : ભારતીય યુવાનોને પાકિસ્તાન તરફ આકર્ષવાના નિર્દેશો મળતા હતા

મોહાલી : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં મોહાલીમાંથી ધરપકડ કરાયેલા જસબીર સિંહ વિરુદ્ધ તપાસ ઝડપથી ચાલી રહી છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, જસબીર પાકિસ્તાન સંબંધિત ISI એજન્ટો અને સેનાના અધિકારીઓના સંપર્કમાં હતો. તેના ફોનમાંથી ૧૫૦ જેટલા શંકાસ્પદ પાકિસ્તાની નંબર મળી આવ્યા છે, જે ગુપ્તચર એજન્સીઓની ચિંતા વધારી રહ્યા છે. આ ઉપરાંત, જસબીરની એક મહિલા મિત્રની ભૂમિકા પણ આ જાસૂસી નેટવર્કમાં સામે આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જસબીરને સતત એવા નિર્દેશો મળતા હતા કે તે પાકિસ્તાનની સકારાત્મક છબીને પ્રોત્સાહન આપે, તેના વીડિયો બનાવે, પ્રચાર કરે અને ભારતીય યુવાનોને તે તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે. આ સમગ્ર નેટવર્કનો એક ચોંકાવનારો પાસું જસબીરની એક મહિલા મિત્રની ભૂમિકાને લઈને પણ સામે આવ્યું છે, જેના સાથે તેના ઘણા લાંબા સમયથી અંગત સંબંધો હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા જસબીર સાથે અનેક વખત દિલ્હી ગઈ હતી. ત્યાં તેની મુલાકાત ઘણા લોકો સાથે કરાવવામાં આવી હતી અને તે પાકિસ્તાન ડે ના એક ખાનગી કાર્યક્રમમાં પણ જસબીર સાથે સામેલ થઈ હતી. આ કાર્યક્રમમાં ફક્ત ડિજિટલ આમંત્રણ ધરાવતા લોકોને જ પ્રવેશની મંજૂરી હતી.
આ સિવાય, જસબીરના લેપટોપમાંથી કેટલીક એપ્સ ડિલીટ કરવામાં આવી હોવાના પુરાવા પણ મળ્યા છે. તેણે જ્યોતિ મલ્હોત્રા નામની એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થયા બાદ આ એપ્સ ડિલીટ કરી દીધી હતી. હવે ફોરેન્સિક ટીમ તે ડિલીટ થયેલા ડેટાને રિકવર કરવામાં લાગેલી છે અને સુરક્ષા એજન્સીઓને આશા છે કે તેનાથી જાસૂસી નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાશે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
