News of Monday, 9th June 2025
સિલોન્ગ મિસ્ટ્રી : સોનમ રઘુવંશી ગેઝીપૂર નાં ઢાબા પરથી ઝડપાઈ : પતિ રાજા રઘુવંશીની હત્યાનો ઘટસ્ફોટ
મેઘાલય ડીજીપીના સનસનાટીભર્યા દાવા બાદ ઇન્દોર પોલીસ ગાઝીપુર રવાના : હનીમૂન દરમિયાન થયેલી રહસ્યમય હત્યામાં ત્રણ અન્યની પણ ધરપકડ

ગાઝીપુર: છેલ્લા 16 દિવસથી ચર્ચામાં રહેલા સોનમ અને રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે માહિતી આપી છે કે સોનમ રઘુવંશી ગાઝીપુરના એક ઢાબા પરથી મળી આવી છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈ મેડિકલ તપાસ માટે મોકલી છે. આ કપલ હનીમૂન માટે મેઘાલય ગયું હતું અને ત્યાં શિલોંગથી ગુમ થઈ ગયું હતું. પોલીસને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો. મેઘાલયના ડીજીપીએ સોનમની ધરપકડની માહિતી આપી છે.
મેઘાલય ડીજીપીના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે સોનમે સુપારી કિલર દ્વારા તેના પતિ રાજાની હત્યા કરાવી હતી. આ સમાચાર મળતા જ ઇન્દોર પોલીસ ગાઝીપુર માટે રવાના થઈ ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની અપીલ કરી હતી.
હનીમૂન દરમિયાન શિલોંગમાં મેઘાલયની પહાડીઓમાં રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો, ત્યારથી તેમની પત્ની સોનમ ગુમ હતી. આ રહસ્યમયી કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા હતા. પરંતુ એક ટૂરિસ્ટ ગાઇડે પોલીસને નવી જાણકારી આપી, જેના પછી જ પોલીસ આ દિશામાં આગળ વધી.
સ્થાનિક ગાઇડ આલ્બર્ટ પી.ડી.એ દાવો કર્યો છે કે છેલ્લી વખત જ્યારે તેમણે સોનમ અને રાજાને જોયા હતા, ત્યારે તેઓ બંને એકલા નહોતા. તેમની સાથે અન્ય ત્રણ પુરુષો પણ હતા. ગાઇડ અનુસાર, ચાર પુરુષો આગળ-આગળ ચાલી રહ્યા હતા અને સોનમ તેમની પાછળ હતી. તેઓ હિન્દીમાં વાત કરી રહ્યા હતા.
એવી પણ ખબરો છે કે સોનમે હાલમાં જ પોતાના ઘરે સંપર્ક કર્યો હતો. જેમાં 'સરેન્ડર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ ઘરવાળાઓના ફોન પર નજર રાખી રહી હતી. આ જાણકારી મળ્યા બાદ પોલીસે આ ત્રણેયને ગાઝીપુરથી ઝડપી પાડ્યા છે.
તપાસ દરમિયાન સોનમે પોતાની સાસુને મોકલેલો અંતિમ વોઇસ મેસેજ સામે આવ્યો હતો. આ મેસેજથી મામલાની ગૂંચ વધુ વકરી હતી. આ વોઇસ મેસેજ અને ઘટનાક્રમના અન્ય પુરાવા, જેમ કે મળેલું સ્કૂટર, ચાવીઓ અને રેઇનકોટ, આ કેસને રહસ્યપૂર્ણ બનાવી રહ્યા હતા.
આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ તેમાં અલગ-અલગ સંભાવનાઓની ચર્ચા કરી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના કોઈ ગુનાહિત ગેંગની આશંકા પર વાત કરી રહ્યા હતા. ચર્ચા તો ત્યાં સુધી હતી કે સોનમનું અપહરણ કરીને તેને બાંગ્લાદેશ લઈ જવામાં આવી છે. તો કેટલાક લોકોનું માનવું હતું કે આ એક ષડયંત્ર છે અને સોનમ હજી જીવિત હોઈ શકે છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
