News of Monday, 9th June 2025
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ લંડન પ્રવાસે : યુકેના વિદેશ કાર્યાલય અને લફબરો યુનિવર્સિટી સાથે રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં સહયોગની ચર્ચા
ગુજરાતમાં 'કન્સર્ટ ઇકોનોમી'ના વિકાસ સહિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અભ્યાસ માટે યુકેના અધિકારીઓને આમંત્રણ : O2 એરેના અને ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમની મુલાકાત લઈ બહુહેતુક સ્પોર્ટ્સ સુવિધાઓનો અભ્યાસ કરાયો

લંડન, ૦૭ જૂન ૨૦૨૫: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ૭ જૂન, ૨૦૨૫ના રોજ લંડનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ સાથેની બેઠકો બાદ, પ્રતિનિધિમંડળે યુકેના વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયમાં સંસદીય અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ કેથરિન વેસ્ટ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠકમાં રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાના ક્ષેત્રોમાં સંભવિત સહયોગના ક્ષેત્રો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના પ્રતિનિધિમંડળે કેથરિન વેસ્ટને યુકે અને ગુજરાત વચ્ચેના સહયોગ અને જોડાણને વધુ ગાઢ બનાવવા માટે ગુજરાતની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે લફબરો યુનિવર્સિટી (Loughborough University) ખાતે સ્કૂલ ઓફ સ્પોર્ટ, એક્સરસાઇઝ અને હેલ્થ સાયન્સિસના અધિકારીઓ સાથે પણ વ્યાપક ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રમતગમતના અભ્યાસક્રમ વિકાસથી માંડીને શૈક્ષણિક દ્રષ્ટિકોણથી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાન, રમતગમતના કોચનો વિકાસ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ અને રાજ્યમાં ચોક્કસ રમતો માટે પોડિયમ વ્યૂહરચના સહિત ચાર મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના અધિકારીઓને ગુજરાતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવા અને અમદાવાદમાં સિટી કેમ્પસ ખોલવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
પ્રતિનિધિમંડળના સભ્યોએ લંડનના જાણીતા O2 એરેના અને ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેના વિવિધ બહુહેતુક વિકલ્પોને સમજવાનો હતો. જેમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સ, કોન્સર્ટ અને ફેસ્ટિવલ્સ સહિત "કન્સર્ટ ઇકોનોમી" ને પ્રોત્સાહન આપીને આર્થિક અસર કેવી રીતે ઊભી કરી શકાય તે વિશે પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્રતિનિધિમંડળે આ સુવિધાઓના ડિઝાઇનિંગમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ ટકાઉપણું (sustainability) સુવિધાઓનો પણ અભ્યાસ કર્યો હતો. આ મુલાકાત ગુજરાતમાં રમતગમત, આરોગ્ય અને માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે નવા વિચારો અને સહયોગની તકો ઊભી કરશે તેવી અપેક્ષા છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
