News of Tuesday, 10th June 2025
માથાભારે પત્નીની દાદાગીરીઃ પતિની સેલેરી પ્રેમીના અકાઉન્ટમાં ટ્રાંસફર કરાવતીઃ કેટલાય વર્ષ સુધી નચાવ્યો
જયપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોઃ પત્નીની દાદાગીરીથી પતિ એટલો કંટાળ્યો કે આખરે તેને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું

જયપુર તા.૧૦: રાજધાની જયપુરના કાલવાડ વિસ્તારમાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને જીવ આપી દીધો છે. હવે લગભગ પાંચ મહિનાની લાંબી તપાસ બાદ પોલીસે મળતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. આ પત્ની પતિને છોડી પ્રેમીના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે, તેણે તમામ મર્યાદા પાર કરી નાખી. ત્યાં સુધી કે તે પતિને ધમકાવી તેની સેલેરી પણ પ્રેમીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતી હતી.
કાલવાડ પ્રભારી કવિતા શર્માએ જણાવ્યું કે, મળતકનું નામ પ્રકાશ શર્મા હતું. તે મા વૈષ્ણો દેવી કોલોની હાથોજનો રહેવાસી હતો. ૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પ્રકાશે ઝેર ખાઈ લીધું, તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા, પણ બચાવી શકયા નથી. પ્રકાશના મોતના થોડા મહિના બાદ ૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેની માતા લલિતા દેવીએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, તેમના દીકરાને જીવન ટૂંકાવવા માટે ઉશ્કેરવામાં આવ્યો. તેની પાછળ તેની પત્ની ચંચલ શર્મા અને તેનો પ્રેમી રાકેશ સૈનીનો હાથ છે.
કેસ નોંધાયા બાદ પોલીસે આખા મામલામાં તપાસ કરી, તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચંચલ અને રાકેશ વચ્ચે આડા સંબંધો હતા. ચંચલ પોતાના પતિ પ્રકાશની સેલેરી દર મહિને રાકેશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતી હતી. એટલું જ નહીં, તેને બીજા ૩ લાખ રૂપિયા મોકલવા માટે દબાણ કરતી હતી. પત્નીની આવી હરકતથી કંટાળી માનસિક રીતે તેનો પતિ તૂટી ચૂકયો હતો. પ્રેમી રાકેશ અને પત્ની ચંચલ મળી તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરતા હતા.
આ બધું વેઠતા વેઠતા એક દિવસ તે જિંદગીથી હાર માની લીધી. પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને પ્રકાશના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરી અને સાક્ષીઓના નિવેદન લીધા. તપાસમાં રાકેશના ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાના પુરાવા પણ સામે આવ્યા. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આખી સચ્ચાઈ સામે આવતા પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા.(૩૮.૧૫)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
