<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ભોપાલથી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસ પર બેવડો હુમલો : પથ્થરમારાથી કોચના કાચ તૂટ્યા : યાત્રીઓમાં ફફડાટ અને ભયનો માહોલ

દતિયા નજીક અને ગ્વાલિયર સ્ટેશન પર એક જ કોચને નિશાન બનાવી કરાયો પથ્થરમારો : પૂર્વ ધારાસભ્ય સહિતના મુસાફરો ચમત્કારિક રીતે બચ્યા : GRP દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ

ગ્વાલિયર, જૂન ૧૨, ૨૦૨૫: ભોપાલથી દિલ્હી જઈ રહેલી હાઈ-સ્પીડ શતાબ્દી એક્સપ્રેસમાં બુધવારે સવારના પહોરમાં જ આતંકનો માહોલ છવાઈ ગયો હતો. ટ્રેન પર એક-બે નહીં, પણ બે વખત જીવલેણ પથ્થરમારો થયો, જેના કારણે કોચના કાચના ભૂક્કા બોલી ગયા અને અંદર બેઠેલા યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના દતિયા નજીક અને ત્યારબાદ ગ્વાલિયર સ્ટેશન પર બની હતી.
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર ૧૨૦૦૧ શતાબ્દી એક્સપ્રેસના C3 કોચને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ જ કોચમાં પૂર્વ ધારાસભ્ય રઘુરાજ કંસાના પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "અમારી ટ્રેન પર બે અલગ-અલગ જગ્યાએ પથ્થરમારો થયો. એક જ કોચ પર બંને તરફથી હુમલો થયો અને કાચ તૂટતા જ યાત્રીઓમાં ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી."
પથ્થરમારા બાદ ગ્વાલિયર સ્ટેશન પર ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. ગભરાયેલા યાત્રીઓ વચ્ચે જીઆરપી (સરકારી રેલવે પોલીસ) તુરંત ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ શરૂ કરી હતી. પૂર્વ ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, "C3 કોચમાં સીટ નંબર ૩૩-૩૪ પાસે અને પછી ગ્વાલિયરમાં ૩૫, ૩૬, ૩૭ નંબરની સીટ પાસે પથ્થર વાગ્યા હતા. અમે બધા નસીબદાર છીએ કે આબાદ બચી ગયા." તેમણે આશંકા વ્યક્ત કરી કે કેટલાક તોફાની તત્વોએ અંધારાનો લાભ ઉઠાવીને આ કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું હશે.
હાલ, પોલીસે ગુનો નોંધીને અજાણ્યા હુમલાખોરોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. શતાબ્દી જેવી પ્રતિષ્ઠિત ટ્રેન પર થયેલા આ હુમલાથી રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

 

(11:55 AM IST)