News of Thursday, 12th June 2025
સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળનું રહસ્ય ખુલ્યું : ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો ૩ વર્ષ બાદ સનસનાટીપૂર્ણ ખુલાસો
"અહંકારમાં આવીને તેણે એવી ભૂલો કરી હતી જેને માફ ન કરી શકાય" : બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં ગોલ્ડી બ્રારનો દાવો - કબડ્ડી ટૂર્નામેન્ટ અને પ્રતિસ્પર્ધીઓને સમર્થન આપવાના કારણે તણાવ વધ્યો હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, જૂન ૧૨, ૨૦૨૫: પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની મે, ૨૦૨૨ માં નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને તેની ગેંગ પર લાગ્યો હતો. મૂસેવાલા પંજાબના માનસા જિલ્લામાં આવેલા તેમના પૈતૃક ગામ નજીક પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર ૧૦૦ થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ મામલે ૩ વર્ષનો સમય વીતી ગયા બાદ ગોલ્ડી બ્રારે આ રહસ્ય પરથી પડદો ઉચક્યો છે કે આખરે તેણે મૂસેવાલાની હત્યા શા માટે કરાવી.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં હત્યાના મુખ્ય આરોપી સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે જણાવ્યું કે તેણે અને તેના સાથીઓએ આ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો અને મૂસેવાલાની હત્યા શા માટે કરાવી. બ્રારે બીબીસીને કહ્યું, "પોતાના અહંકારમાં આવીને તેણે (મૂસેવાલા) એવી ગંભીર ભૂલો કરી હતી, જેને માફ કરી શકાય તેમ નહોતું. અમારી પાસે તેને મારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેને પોતાના કર્યાંની સજા ભોગવવી જ પડતી. કાં તો તે રહે અથવા અમે. બસ એટલું જ."
ગોલ્ડી બ્રારે અન્ય શું જણાવ્યું?
તેણે કહ્યું, "લોરેન્સ બિશ્નોઈ અને સિદ્ધુ મૂસેવાલા એકબીજાના સંપર્કમાં હતા. મને નથી ખબર આ બંનેને કોણે મળાવ્યા અને ન મેં ક્યારેય પૂછ્યું, પરંતુ આ બંને વાત કરતા હતા. લોરેન્સની ખુશામત કરવા માટે સિદ્ધુ તેને ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલતો હતો." ગોલ્ડી બ્રારે દાવો કર્યો છે કે મૂસેવાલા સાથે તણાવ પંજાબમાં કબડ્ડી ટૂર્નામેન્ટને લઈને શરૂ થયો હતો.
ગોલ્ડીએ કહ્યું, "તે એક એવું ગામ છે જ્યાંથી અમારા પ્રતિસ્પર્ધીઓ આવે છે. તે અમારા પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો. ત્યારે લોરેન્સ અને કેટલાક અન્ય લોકો તેનાથી નારાજ થઈ ગયા. તેમણે સિદ્ધુ મૂસેવાલાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેઓ તેને નહીં છોડે." બીબીસીના રિપોર્ટ અનુસાર, બિશ્નોઈના સહયોગી અને મધ્યસ્થી વિકી મિદ્દુખેડાના હસ્તક્ષેપથી તણાવ ઓછો થઈ ગયો હતો, પરંતુ ઓગસ્ટ ૨૦૨૧ માં મોહાલીમાં મિદ્દુખેડાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
'જ્યારે નમ્રતાથી કોઈ વાત સાંભળવામાં આવતી નથી, ત્યારે ગોળીનો અવાજ જ સંભળાય છે'
બ્રારે કહ્યું, "સિદ્ધુની ભૂમિકા બધા જાણતા હતા, તપાસ કરી રહેલી પોલીસ જાણતી હતી, અહીં સુધી કે તપાસ કરી રહેલા પત્રકારો પણ જાણતા હતા. સિદ્ધુ નેતાઓ અને સત્તામાં બેઠેલા લોકો સાથે ભળેલો હતો. તે અમારા પ્રતિસ્પર્ધીઓની મદદ કરવા માટે રાજકીય તાકાત, ધન અને પોતાના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો હતો. અમે ઈચ્છતા હતા કે તેને તેના કર્યાંની સજા મળે. તેના પર કેસ દાખલ થવો જોઈતો હતો. તેને જેલ જવું જોઈતું હતું, પરંતુ કોઈએ અમારી અરજ સાંભળી નહીં. તેથી અમે આ કામ પોતાના હાથમાં લીધું. જ્યારે નમ્રતાથી વાત સાંભળવામાં આવતી નથી, ત્યારે ગોળીનો અવાજ જ સંભળાય છે."
બ્રારે વધુમાં કહ્યું, "કાનૂન. ન્યાય. આવી કોઈ વસ્તુ નથી. ફક્ત તાકાતવાર લોકો જ ન્યાય મેળવી શકે છે, અમારા જેવા સામાન્ય લોકો નહીં. મેં મારા ભાઈ માટે તે જ કર્યું જે મને કરવું જોઈતું હતું. મને કોઈપણ પ્રકારનો કોઈ પસ્તાવો નથી."
કોણ છે ગોલ્ડી બ્રાર?
પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી ગોલ્ડી બ્રાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સહયોગી છે. કેનેડાથી સક્રિય બ્રારને સત્તાવાર રીતે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે અને તેની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરંટ પણ પેન્ડિંગ છે.
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે પણ જોડાયેલો છે ગોલ્ડી બ્રાર
ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે બ્રાર ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન દ્વારા ઉચ્ચ ગુણવત્તાના હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરીમાં સામેલ એક નેટવર્કનો ભાગ છે. મંત્રાલયે પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે બ્રારના જોડાણનો ઉલ્લેખ કર્યો અને તેના પર ટાર્ગેટેડ મર્ડર, આતંકી મોડ્યુલની ભરતી અને અન્ય રાષ્ટ્ર-વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા પંજાબમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની કાવતરું રચવાનો આરોપ લગાવ્યો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
