તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Friday, 13th June 2025
અમદાવાદ એરપોર્ટ પર અંજલીબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન
દર્દ કે ઇસ આલમ મેં દિલ રોતા હૈ, સાથ બીતા એ પલ યાદ કર કે તન્હા (અકેલા) હોતા હૈ... : ભૂપેન્દ્રભાઇ, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, રત્નાકર, પ્રદીપસિંહ વગેરેએ એરપોર્ટ પર સાંત્વના આપીઃ આંખો ભીની કરતા દ્રશ્યો : અંજલીબેન, નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી લંડનથી દુબઇ, દુબઇથી મુંબઇ ફલાઇટમાં અને મુંબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં સવારે અમદાવાદ પહોંચ્યાઃ રાજકોટથી ડો. ભરત બોઘરા, મુકેશ દોશી, ભૂપત બોદર, બીનાબેન આચાર્ય, કંચનબેન સિધ્ધપુરા વગેરે હાજર

રાજકોટ, તા., ૧૩: ગઇકાલે અમદાવાદમાં સર્જાયેલ કલ્પનાતીત પ્લેન અકસ્માતમાં રાજકોટના લોકલાડીલા નેતા અને ભુતપુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જીવ ગુમાવતા ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ લંડન પરીવારને મળવા જઇ રહયા હતા તે વખતે જ આ જીવલેણ ઘટના બની છે. શ્રી વિજયભાઇના જીવસંગીની શ્રીમતી અંજલીબેન અગાઉથી લંડન પહોંચી ગયેલા. પ્લેન અકસ્માતના ખબર મળતા તેઓ તાત્કાલીક હવાઇ માર્ગે અમદાવાદ આવવા નીકળેલા. આજે સવારે ૭.૩૦ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અંજલીબેનના વિલાપે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. લંડનથી તેમની સાથે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ આવ્યા હતા.
શ્રીમતી અંજલીબેન તથા ભંડેરી-ભારદ્વાજ લંડનથી દુબઇ અને દુબઇથી મુંબઇ પહોંચેલા. મુંબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી મુકેશ પટેલ, પુર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી વગેરેએ તેમને સાંત્વના આપી હતી. રાજકોટના ડો.ભરત બોઘરા, ભુપત બોદર, મુકેશ દોશી, કંચનબેન સિધ્ધપુરા, બીનાબેન આચાર્ય વગેરે હાજર રહયા હતા. એકદમ શોકમય માહોલમાં અંજલીબેનને તેમના ગાંધીનગર ખાતેના બંગલે લઇ જવામાં આવ્યા હતા. તેણી આઘાતથી અત્યંત વ્યથિત હતા.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
