<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

સ્‍વજનોને શોધવા આવેલા લોકોમાં આક્રોશ ફેલાયો

ત્રણ-ત્રણ કલાક સુધી પોતાનાં સગાં કયાં છે એની કોઈ માહિતી નહીં મળતાં સ્‍વજનો બેબાકળાં બની ગયાં : સ્‍વજનોના કરૂણ આક્રંદથી હોસ્‍પિટલ પણ આક્રંદિત થઈ ઊઠી : એમ્‍બ્‍યુલન્‍સની સાયરનોથી આખા વિસ્‍તારમાં ગમગીનીનો માહોલ : પ્‍લેનનો કાટમાળ દૂર સુધી ફંગોળાયો

અમદાવાદ, તા.૧૩: પ્‍લેન-ક્રૅશની કરુણાંતિકા બાદ સ્‍વજનોને શોધવા માટે સિવિલ હૉસ્‍પિટલમાં આવેલાં સગાંઓને શરૂઆતના સમયમાં પ્રૉપર માહિતી ન મળતાં આક્રોશ ફેલાયો હતો. એટલું જ નહીં, સ્‍વજનોના આક્રંદથી હૉસ્‍પિટલ પણ આક્રંદિત થઈ ઊઠી હતી.

પ્‍લેન-દુર્ઘટનામાં જેમનાં મોત થયાં તેમનાં સગાંઓને જેમ-જેમ ખબર પડતી ગઈ તેમ-તેમ સગાંસંબંધીઓ સિવિલ હૉસ્‍પિટલમાં દોડી આવ્‍યાં હતાં. સિવિલ હૉસ્‍પિટલમાં બેથી ત્રણ કલાકનો રઝળપાટ કરવા છતાં પણ પોતાના સ્‍વજનોની કોઈ ભાળ ન મળતાં બેબાકળા થઈ ઊઠ્‍યાં હતાં. કેટલાક સ્‍વજનો આક્રોશ સાથે કહેતા હતા કે કોઈ માહિતી આપનાર જ નથી તો અમારે અમારાં સગાંને કયાં શોધવા, તેમનું સ્‍ટેટસ તો અમને કોઈ જણાવો, કોઈ સ્‍પષ્ટતા કરતું જ નથી તો અમે કયાં જઈએ? અમારી માનસિક હાલત શું છે એ કેમ કોઈને ખબર ન પડતી હોય?

સિવિલ હૉસ્‍પિટલની પાછળના ભાગે આ દુર્ઘટના બનતાં ભોગ બનનારાઓને સિવિલ હૉસ્‍પિટલ લઈ જતી ઍમ્‍બ્‍યુલન્‍સની સાયરનોથી આખા વિસ્‍તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઘટના જે સ્‍થળે બની એ તરફ જતા બે રસ્‍તા પર ઍમ્‍બ્‍યુલન્‍સ, મેડિકલ-વૅન, ફાયર-ફાઇટર સહિતનો કાફલો ખડકાઈ ગયો હતો.

પ્‍લેનનો અકસ્‍માત એટલો પ્રચંડ હતો કે એનો કાટમાળ દૂર-દૂર સુધી ફંગોળાઈ ગયો હતો. પ્‍લેનના પાંખિયાનો કાટમાળ તો છેક ઘોડાકૅમ્‍પ રોડ પર પડ્‍યો હતો. પાંખિયું એટલું મોટું હતું કે એને જોઈને લોકો હેબતાઈ ગયા હતા.

(11:05 AM IST)