News of Friday, 13th June 2025
જો વિજય રૂપાણી પત્ની સાથે ત્રીજી જૂને જ જતા રહ્યાં હોત તો...
પત્ની અંજલિબેન પહેલેથી લંડન પહોંચી ગયા હતા પણ વિજયભાઈએ પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મુલતવી કર્યો હતો, આ સાથે જવાની ટિકિટ કેન્સલ કરાવીને ૧૨મી જૂનની ટિકિટ કરાવી હતી : રાજકોટથી લઈને જૂનાગઢ, જામનગરથી માંડી કચ્છ સુધીના લોકો માટે તેઓ માત્ર નેતા નહીં પણ એક સરળ અને ગ્રાઉન્ડ પર જોડાયેલા માર્ગદર્શક રહ્યા

અમદાવાદ, તા.૧૩: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના અગ્રગણ્ય નેતા વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં દુખદ નિધન થયું છે. એર ઈન્ડિયા બોઈંગ ૭૩૭ ફ્લાઇટ AI-૧૭૧, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે દુર્ઘટનાગ્રસ્ત થતાં સમગ્ર રાજ્યમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. વિજયભાઈની સૌરાષ્ટ્ર પર અઢળક અસર રહી છે. રાજકોટથી લઈને જૂનાગઢ, જામનગરથી માંડી કચ્છ સુધીના લોકો માટે તેઓ માત્ર નેતા નહીં પણ એક સરળ અને ગ્રાઉન્ડ પર જોડાયેલા માર્ગદર્શક રહ્યા છે.
માહિતી મુજબ, વિજય રૂપાણીએ પત્ની અંજલિ રુપાણી સાથે ૩ જૂને વિદેશ પ્રવાસ માટે ટિકિટ બૂક કરાવી હતી. પત્ની પહેલેથી લંડન પહોંચી ગયા હતા પણ વિજયભાઈએ પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મુલતવી કર્યો હતો. આ સાથે જવાની ટિકિટ કેન્સલ કરાવીને ૧૨મી જૂનની ટિકિટ કરાવી હતી. કારણ કે, પાર્ટી કાર્ય પહેલા. ગુજરાત માટે જીવતા નેતાઓમાંથી એક એવા રૂપાણી, પોતાનું અંગત સુખ પક્ષના હિત માટે પછવાડે મુકતા હતા એ વાત આજે ફરી સાબિત થઈ.
તેઓ સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ માટે નીકળ્યા અને પોતાના પીએ શૈલેષ મંડલિયા અને સ્ટાફ સાથે ૧૧:૪૫ વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા. રૂટિન મુજબ ટર્મિનલ પ્રવેશ કર્યા પછી તેઓ પ્લેનમાં બેસી ગયાં. પછી થોડા મિનિટમાં આ દુર્ઘટના ઘટી. સવારથી જ સૌરાષ્ટ્રના લોકોએ પ્રાર્થનાઓ શરૂ કરી દીધી હતી કે તેઓ સુરક્ષિત હોય. આ માટે રાજકોટ, મોરબી, અમરેલી જેવી જગ્યાઓ પરથી હજારો લોકો દુઃખની લાગણી સાથે તેમના પીએ માંડલિયાને પૂછપરછ કરતા હતા કે - રુપાણી સાહેબ સારા છેને?
રાજકીય દ્રષ્ટિએ સમર્પિત અને વ્યવહારિક, અને માનવીય રીતે નમ્રતા અને જ્ઞાતિવાદથી ઉપર ઉભેલા એવા વિજય રૂપાણી આજે દુર્ઘટનામાં શામેલ હોવાના સમાચારથી તેમનાં પ્રશંસકો, કાર્યકરો અને સહાનુભૂતિ રાખતા લાખો લોકોએ દિલથી દુઃખ વ્યક્ત કર્યું છે. રહી રહીને તેમના પરિવારને સવાલ થતો રહેશે કે, વિજયભાઇ એ ત્રીજી જૂને પત્ની સાથે જ જવાનો કાર્યક્રમ કન્ટીન્યુ રાખ્યો હોત તો.. તો કદાચ રુપાણી સાહેબ હસતા રમતા આપણા સૌની વચ્ચે હોત.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
