<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઇઝરાયેલનો ઈરાન પર ભયાનક હવાઈ હુમલો : ૨૦૦થી વધુ ફાઈટર જેટ્સ દ્વારા ૩૩૦થી વધુ ઠેકાણાં પર નિશાન : ન્યુક્લિયર પ્રોગ્રામને લક્ષ્ય બનાવ્યો : ખાડી યુદ્ધ પછીનો સૌથી મોટો હુમલો : વૈશ્વિક સ્તરે યુદ્ધનો ભય (ન્યૂઝફર્સ્ટ)

ઇઝરાયેલે ઈરાનના સેના પ્રમુખને ઠાર મારવાનો દાવો કર્યો : તેહરાનમાં ભયાવહ વિસ્ફોટો : ઈરાન નાં નતાન્ઝ અને અરાક પરમાણુ સુવિધાઓ તબાહ : ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૦%નો ઉછાળો

(ન્યૂઝફર્સ્ટ) તહેરાન : મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઇઝરાયેલે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં ૨૦૦થી વધુ ફાઈટર જેટ્સે ૩૩૦થી વધુ ચોક્કસ ઠેકાણાં પર હુમલા કર્યા છે. 'ન્યૂઝફર્સ્ટ'ના અહેવાલ મુજબ, ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું છે કે આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવાનો છે. આ હુમલો ખાડી યુદ્ધ પછીનો કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો હવાઈ હુમલો છે, જે વૈશ્વિક સ્તરે ગંભીર ચિંતાઓ જગાવી રહ્યો છે.
પરમાણુ સુવિધાઓ પર હુમલો, વરિષ્ઠ અધિકારીઓ ઠાર મરાયાના દાવા
હુમલાના પગલે, ઈરાનની નતાન્ઝ ખાતેની પરમાણુ સંવર્ધન સુવિધામાંથી આગ અને ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. ઇઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનના લશ્કરી ચીફ ઑફ સ્ટાફને ઠાર મારવામાં આવ્યા છે, અને તેહરાનમાં શક્તિશાળી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઇઝરાયેલી અધિકારીઓનો દાવો છે કે ગઈકાળ રાત્રિના હુમલાઓમાં ઈરાનના સમગ્ર જનરલ સ્ટાફ અને અનેક વરિષ્ઠ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હોવાની "ખૂબ ઊંચી સંભાવના" છે. આને "અતિ વિશાળ" ઘટના ગણાવવામાં આવી રહી છે, જેમાં સેંકડો શક્તિશાળી સભ્યોનો સફાયો બોલી ગયો છે. એક ઇઝરાયેલી અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું છે કે "અમે હમણાં જ શરૂઆત કરી છે."
આર્થિક અસરો અને અન્ય નિશાન
આ હુમલાઓની તાત્કાલિક આર્થિક અસરો પણ જોવા મળી રહી છે. GIFT NIFTY ૨૦૦ પોઈન્ટ નીચે ગબડ્યો છે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ૮.૫% થી વધુનો અને બાદમાં ૧૦% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ઈરાને તમામ એરલાઈન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.
ઇઝરાયેલે ઈરાનમાં અત્યાર સુધી સેંકડો હુમલા કર્યા છે. માહિતી અનુસાર, મધ્ય ઈરાનમાં આવેલી મુખ્ય યુરેનિયમ સંવર્ધન સુવિધાને "ઘણી વખત નિશાન બનાવવામાં આવી છે". વધુમાં, ઈરાનના અરાક હેવી વોટર ન્યુક્લિયર રિએક્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનના અણુ એજન્સીના વડાએ પુષ્ટિ કરી છે કે નતાન્ઝ રિએક્ટરનો નાશ કરવામાં આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

(11:30 AM IST)