News of Friday, 13th June 2025
અમદાવાદમાં મોતના માતમ વચ્ચે માનવતા મહેકી ઉઠી
પ્લેન ક્રેશ થવાની ઘટના બાદ સૌથી પહેલા આજુબાજુના લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું અને ઓટોરિક્ષામાં ઘાયલોને પહોંચાડયાઃ વહેલી સવાર સુધી પાણીની બોટલ, એનર્જી ડ્રિંક્સ અને ફૂડ પેકેટનું વિતરણ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૩: અમદાવાદની પ્લેન ક્રેશ થવાની ઘટનાએ મોતનું માતમ ઊભું કર્યું હતું એ સમયે સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે નાના નાના લોકો બચાવ કાર્યમાં તો જોડાયા જ હતા પરંતુ પાણીની બોટલો, એનર્જી ડ્રિંક્સ ફૂડ પેકેટોનુ ઘટના સ્થળે અને સિવિલમાં સ્વયંભૂ વિતરણ કરી માનવતા પૂરી પાડી હતી.
પ્લેન ક્રેશ થયું એ જગ્યાથી થોડે દૂર રેસીડેન્ટ વિસ્તાર હતો જેવું પ્લેન ક્રેશ થયું કે તુરંત જ આજુબાજુના મહિલા અને પુરુષો દોડીને,કોઈ બાઈક લઈને અને જુદા જુદા વાહનો લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
પ્લેનના કાટમાળમાંથી તો કોઈ જીવતું બચ્યું ન હતું આમ છતાં જે હોસ્ટેલ પર પ્લેન અથડાયું હતું તે હોસ્ટેલમાં અભ્યાસ કરતા ડોક્ટરો અને બીજા સ્ટાફના ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક લોકોએ શરૂઆતમાં ઓટો રિક્ષામાં લઈ જઈ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા આ સમયે ઓટો રીક્ષા ચાલકો પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા અને ઇજાગ્રસ્તોને સ્થાનિક રહેવાસીઓની મદદથી સિવિલ પહોંચાડ્યા હતા.
જોકે ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સો પણ દુર્ઘટના સ્થળે આવી પહોંચી હતી બાદમાં એમ્બ્યુલન્સની મદદથી સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત અને સિવિલ હોસ્પિટલ પહોંચાડવા મદદ કરી હતી.
ખરા બપોરે સૂર્યદેવતા પણ ખૂબ જ તાપ વરસાવી રહ્યા હતા એ વખતે પ્લેન ક્રશ થયા બાદ અગ્નિ દેવતાએ પણ રોદ્ર સ્વરૂપ પકડી લીધું હોય સૂર્યદેવતાના તાપ અને અગ્નિ દેવતાના રોદ્ર સ્વરૂપે આ વિસ્તાર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હતું ત્યારે સ્થાનિકો સ્વેચ્છિક સંસ્થાઓ ઓટોરિક્ષા ચાલકો સહિત અનેક લોકો પોતાની આર્થિક સ્થિતિ અનુરૂપ પાણીની બોટલો લાવી બધાને હાથે પગે લાગી આપતા ઘટના સ્થળે નજરે પડ્યા ત્યારે મોતના માતમ વચ્ચે માનવતા ઉભરી આવી હતી.
માનવતાનો આ યજ્ઞ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં શરૂથી લઈ આજે સવાર સુધી ચાલુ રહ્યો હતો લોકો દુર્ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં જોવા અને સેવા કરવા આવ્યા હતા ત્યારે આવા લોકોને પાણીની બોટલો નાસ્તાના પેકેટે અને એનર્જી ડ્રિંક્સ હાથ જોડીને આપતા હતા.(૬.૧૩)
બ્લડની જરૂરિયાત હોવાની જાહેરાત થતાજ ડોનરોએ લાઈનો લગાવી દીધી
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૧૩: દુર્ઘટના બાદ થોડી જ વારમાં એમ્બ્યુલન્સો દ્વારા મળતદેહો અને ઇજાગ્રસ્તોને સિવિલમાં લવાતા આવા લોકોને બ્લડની જરૂરિયાત હોય સિવિલ હોસ્પિટલના સંચાલકોએ અને જુદા જુદા લોકો દ્વારા બ્લડની જરૂરિયાત હોય તાત્કાલિક ડોનરે સિવિલ હોસ્પિટલ પહોંચવા સોશિયલ મીડિયામાં અપીલ કરતાં થોડી જ વારમાં ડોનરોએ સિવિલ હોસ્પિટલમાં બ્લડ દેવા માટે રીતસર લાઈનો લગાવી દીધી હતી.
એક તબક્કે ડોનરની લાંબી લાઈનો લાગતા બ્લડ બેન્ક સાથે સાથે બીજી જગ્યાએ પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બ્લડ એકઠુ કરવાની કાર્યવાહી કરવી પડી હતી જોકે બાદમાં વધુ જરૂરિયાત ન હોય હોસ્પિટલના સંચાલકોએ લોકોને હાથે પગે લાગી હવે જરૂર પડશે તો બોલાવશું તેવુ કહેતા હજારોની સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા આવેલા લોકો પરત ગયા હતા.(૬.પ)
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સેવાયજ્ઞ
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૩: દુર્ઘટના બાદ સેવાભાવી લોકો અને અસરગ્રસ્તોના કુટુંબીજનો સગાવાલા અને મિત્રોથી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ઉભરાઈ ગયું હતું ત્યારે સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓ સ્વયંસેવકો સાથે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રિક્ષાઓ ભરી ભરી ઠંડી પાણીની બોટલો અને ફૂડ પેકેટો લઈ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મોડી રાત્રે સુધી સિવિલ હોસ્પિટલમાં પાણીની બોટલો, ફૂડ પેકેટો અને નાસ્તાના પેકેટોનું વિતરણ કરી ભાઈચારાનુ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.(૬.પ)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
