તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th June 2025
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને DNA મેચ બાદ રાજકોટ લઈ જવાશે : 3 દિવસ બાદ અંતિમવિધિની સંભાવના : દીકરો ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે : વિજયભાઈના બહેનનું DNA સેમ્પલ લેવાયું : રાજકીય નેતાઓ અને અધિકારીઓ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સાંત્વના પાઠવવા ઉમટ્યા
અમદાવાદમાં આભ ફાટ્યું : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક જીવન હોમાયા : ગુરુવાર અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક દિવસ : એર ઇન્ડિયાનું વિમાન હોસ્ટેલ પર ક્રેશ થતા વિદ્યાર્થીઓ પણ ઘાયલ

અમદાવાદ: અમદાવાદના ઇતિહાસમાં ગુરુવાર એક એવા કાળા દિવસ તરીકે નોંધાઈ ગયો છે, જેને ક્યારેય ભૂલી શકાશે નહીં. આકાશમાંથી આવેલા કાળ સ્વરૂપે એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન શહેરના રહેણાંક વિસ્તારમાં, ખાસ કરીને બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ધડાકાભેર ક્રેશ થયું, જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ હણાયા. આ કરુણ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થતા સમગ્ર દેશ - રાજ્ય શોકમાં ગરકાવ થઈ ગયું છે. વિમાન ક્રેશ થતા જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી, અને હોસ્ટેલ પર પડવાને કારણે ત્યાં હાજર કેટલાક વિદ્યાર્થીઓને પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે.
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં:
વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ રૂપાણી આવતીકાલે સવારે ૪ વાગ્યે અમદાવાદ પહોંચશે. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા હોવાથી, તેમના બહેનનું DNA સેમ્પલ ડોકટરોની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને જ લેવામાં આવ્યું છે. DNA મેચિંગ થયા બાદ પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવશે. ત્યારબાદ, મૃતદેહને ગાંધીનગરથી રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ સંપન્ન થવાની સંભાવના છે.
નેતાઓ-અધિકારીઓ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા:
આ દુઃખદ સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રે શોકનો માહોલ છવાઈ ગયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન, પરશોત્તમ રૂપાલા અને તેમની પત્ની, અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી સહિતના અગ્રણીઓ વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક સિનિયર IAS અધિકારીઓ પણ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચીને શોક વ્યક્ત કરી રહ્યા છે અને શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપી રહ્યા છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
