News of Friday, 13th June 2025
લંડનથી વતન કચ્છની પ્રથમ સફર જ અશ્વિન હીરાણી માટે બની અંતિમ યાત્રા : પ્લેન ક્રેશમાં યુવાન સહિત ત્રણ પેઢીનો ભોગ લેવાતા કોડકી ગામમાં શોકનો સન્નાટો
અમદાવાદની 'ડેથ ફ્લાઇટ'માં સુરેશભાઈ અને રાધાબેન હીરાણીએ પણ જીવ ગુમાવ્યા : લંડનમાં જ જન્મેલા અને ઉછરેલા અશ્વિનના સ્વજનોના હૃદયદ્રાવક વિલાપથી ભુજ અને કોડકી ગામ શોકમાં ગરકાવ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : અમદાવાદ-લંડનની એ 'ડેથ ફ્લાઇટ'માં પ્રવાસ કરનાર અનેક પ્રવાસીઓના અરમાન આગમાં ભસ્મ થઈ ગયા, પરંતુ આ દુર્ઘટનામાં એક એવી હૃદયદ્રાવક કહાણી સામે આવી છે, જેણે સૌની આંખોમાં આંસુ લાવી દીધા છે. આ કરુણ અકસ્માતમાં પિતા સુરેશ ધનજી હીરાણી અને દાદી રાધાબેન ધનજી હીરાણી સાથે સફર કરનાર યુવાન અશ્વિન હીરાણી માટે તેની પ્રથમ વખતની દેશની સફર જ જીવનની અંતિમ સફર બની ગઈ છે.
મળતી માહિતી મુજબ, લંડનના ફ્રિન્ચલીમાં રહેતો આ લેઉવા પટેલ પરિવાર વતન કચ્છના કોડકી (તા. ભુજ) ગામમાં ધાર્મિક પ્રસંગ હોઈ કચ્છ આવ્યો હતો. પરંતુ સૌથી કરુણતાની વાત એ છે કે લંડનમાં જ જન્મેલો અને ઉછરેલો અશ્વિન પ્રથમ વખત જ દેશમાં પોતાના ગામ કોડકી મધ્યે આવ્યો હતો. કુદરતને કઈ મંજૂર હતું તે કોઈ કહી શકતું નથી. આ યુવાન સાથે તેના પિતા સુરેશ ધનજી હીરાણી અને દાદી રાધાબેન ધનજી હીરાણી એમ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અણધાર્યા મોતે ભુજ સહિત નાનકડા એવા કોડકી ગામમાં ઊંડા શોકનો સન્નાટો છવાઈ ગયો છે. પરિવાર અને ગ્રામજનો આ આઘાતજનક ઘટનાથી સ્તબ્ધ છે અને તેમના આંસુ સુકાતા નથી. આ ઘટનાએ ફરી એકવાર જીવનની અનિશ્ચિતતા અને નશ્વરતાનો કડવો પાઠ શીખવ્યો છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
