News of Friday, 13th June 2025
રાજકોટના નરસીભાઇ સગપરીયા અને મુક્તાબેન ડાંગરની લંડનની સફર શરૂ થઇ ત્યાં જ જિંદગીની સફરનો અંત
જિંદગી કા સફર હૈ યે કૈસા સફર...પ્લેન ક્રેશની ગોઝારી દૂર્ઘટનાએ રાજકોટના વિજયભાઇ રૂપાણી સાથે અન્ય બે લોકોનો પણ ભોગ લીધોઃ પરિવારોમાં કલ્પાંતઃ રૂડાનગર-૧માં રહેતાં બિઝનેસમેન-એન્જિનીયર નરસીભાઇ સગપરીયા લંડન અભ્યાસ કરતી દિકરીને મળવા અને ઘંટેશ્વર પાસે રહેતાં વૃધ્ધા મુક્તાબેન દિકરાને મળવા લંડન જતા'તાઃ બંનેના પરિવારજનો-સ્વજનોમાં શોકની કાલીમા

નરસીભાઇ રાઘવભાઇ સગપરીયા અને રૂડાનગર-૧માં આવેલુ તેમનું નિવાસસ્થાન : મુક્તાબેન ડાંગર તેમના દિકરા સાથે
રાજકોટ તા. ૧૩: પરલોકનું તેડુ ક્યારે, ક્યાં અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર હોતી નથી. કંઇક આવુ જ રાજકોટના એન્જિનીયર અને રીયલ એસ્ટેટ બીઝનેસમેન સાથે અને એક વૃધ્ધા સાથે બન્યું છે. અમદાવાદમાં થયેલી પ્લેનક્રેશની ગોઝારી દૂર્ઘટનામાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાતં રાજકોટના એન્જિનીયર અને એક વૃધ્ધાનો પણ ભોગ લેવાતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. એન્જિનીયર-બિઝનેસમેન લંડન ખાતે ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી દિકરીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતાં અને વૃધ્ધા રાજકોટથી લંડન તેમના દિકરાને મળવા જતાં હતાં. પરંતુ તેમની આ સફર અંતિમ સફર બની ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ રૂડાનગર-૧માં રહેતાં એન્જિનીયર અને રિયલ એસ્ટેટના બિઝનેસમેન નરશીભાઈ રાઘવભાઈ સગપરિયા (ઉ.વ.૬૩) હાલમાં તેઓ નિવળત જીવન ગાળી રહ્યા હતા. તેમનો પ્લેનક્રેશમાં ભોગ લેવાયો છે. નરશીભાઈ સગપરિયાના ધર્મપત્નિું નામ શીતલબેન સગપરિયા છે. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. દિકરી ગ્રેસી સગપરિયા (ઉ.વ.૨૨) લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરે છે. તેણીનો લંડન ખાતે કોન્વોકેશન કાર્યક્રમ હોઇ તેમાં ખાસ હાજરી આપવા માટે નરશીભાઈ સગપરિયા રાજકોટથી ગઈકાલે સવારે ૪ વાગ્યે નીકળ્યા હતા અને અમદાવાદથી લંડન જતી ફલાઈટમાં બેસી ઉડાન ભરી હતી. પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે તેઓ લંડનની સફરે નહિ પણ અંતિમ સફરે જઇ રહ્યા હતાં!? નરસીભાઇ સગપરીયાને અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના દિકરા નીવ સગપરીયા મુકવા ગયો હતો. તે પિતાને મુકીને પરત રાજકોટ આવી રહ્યો હતો ત્યારે લીંબડી પહોંચતા જ પ્લેન ક્રેશના વાવડ મળતાં તે તાબડતોબ અમદાવાદ પરત પહોંચ્યા હતાં. નીવભાઇએ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ આપ્યા હતાં. નવી સગપરીયા કોઠારીયામાં ફેક્ટરી ચલાવે છે. મોભીને ગુમાવતાં સગપરીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટેલા રાજકોટના બીજા હતભાગીનું નામ મુકતાબેન ડાંગર (ઉ.વ. ૭૦) છે. તેઓ રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર એસઆરપી કેમ્પ પાસે રહેતા હતા. તેઓ લંડન ખાતે રહેતાં દિકરા મયુરભાઇના ઘરે રોકાવા જવા અમદાવાદથી લંડનની ફલાઇટમાં બેઠા હતાં. પણ તેમની સફર અધુરી રહી હતી અને જિંદગીની સફરનો અંત આવી ગયો હતો. મુક્તાબેનના ભાઇ મનુભાઇ રાઠોડ અગાઉ રાજકોટમાં કોર્પોરેટર હતાં. હાલ તેઓ હયાત નથી. મુક્તાબેન શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી થતાં હતાં.
મુક્તાબેનના બચુભાઈ ડાંગર એસ.ટી.માં કંડકટર તરીકે અગાઉ ફરજ બજાવતા હતા જો કે તેમનું વીસ વર્ષ પહેલા નીધન થયું હતું.મુક્તાબેનને એક પુત્ર અને બે પુત્રીઓ છે. પુત્ર મયુરભાઇ, પુત્રવધૂ આશાબેન, પુત્ર વરૂણભાઇ અને પુત્રી બંસરી લંડન રહે છે. જ્યારે મુક્તાબેનની બંને દીકરીઓ રચનાબેન અને મીનલબેન સાસરે છે. મુક્તાબેન લંડન દિકરાને ત્યાં પાંચ છ મહિના રોકાણ કરવાના હતાં. પરંતુ કુદરતે કંઇક જુદુ જ ધાર્યુ હતું.
અગાઉ બચુભાઈના નિધનથી પિતાની છત્રછાયા ગુમાવતા મયુરભાઈએ હવે માતાની મમતા પણ ગુમાવી છે. લંડન રહેતા તેમનાં પુત્ર સહિતનાં પરિવારજનો હાલ અમદાવાદ છે. (૧૪.૧૦)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
